2025ની સૌથી મોટી અને ચર્ચિત ભારતીય ફિલ્મોમાં સ્થાન મેળવનારી ઋષભ શેટ્ટીની ‘કાંતારા ચેપ્ટર 1’ હવે સત્તાવાર રીતે ઓસ્કારની રેસમાં સામેલ થઈ ગઈ છે. કર્ણાટકની લોકકથાઓ, દૈવી પરંપરા અને ગ્રામ્ય સંસ્કૃતિ પર આધારિત આ ફિલ્મ 2 ઓક્ટોબર 2025ના રોજ રિલીઝ થઈ હતી અને રિલીઝ બાદથી જ તેણે દર્શકો તેમજ સમીક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 850 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરીને આ ફિલ્મ 2025ની બીજી સૌથી મોટી ઈન્ડિયન ફિલ્મ બની ચૂકી છે. માત્ર 125 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મના વિઝ્યુઅલ્સ, બેકગ્રાઉન્ડ સ્કોર અને ઋષભ શેટ્ટીની પરફોર્મન્સને વિશ્વભરમાં પ્રશંસા મળી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ચાહકો સતત આ ફિલ્મને ઓસ્કાર માટે મોકલવાની માંગ કરી રહ્યા હતા.
જોકે, ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (FFI)એ ઓસ્કારની ‘બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કેટેગરી માટે ભારત તરફથી ઓફિશિયલી ‘હોમબાઉન્ડ’ને પસંદ કરી છે, જે પહેલેથી જ આ કેટેગરીની ટોપ-15 શોર્ટલિસ્ટમાં પહોંચી ચૂકી છે. તેમ છતાં, ‘કાંતારા ચેપ્ટર 1’એ જનરલ એન્ટ્રી (For Your Consideration) મારફતે ઓસ્કારની રેસમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ જ કેટેગરી હેઠળ અનુપમ ખેર દિગ્દર્શિત અને અભિનિત ‘તન્વી: ધ ગ્રેટ’ પણ ઓસ્કારની દોડમાં સામેલ થઈ છે. ‘તન્વી’ એક ઓટિઝમ સાથે જન્મેલી યુવતીની ભાવનાત્મક કહાણી છે, જે પોતાના શહીદ પિતાની જેમ દેશ માટે સેવામાં જોડાવાનું સ્વપ્ન જુએ છે. આ ફિલ્મને પણ ક્રિટિક્સ અને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.
ઓસ્કારની પ્રક્રિયા મુજબ, ‘બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ’ કેટેગરીમાં દેશનું નામ એનાઉન્સ થાય છે, જ્યારે જનરલ એન્ટ્રી દ્વારા મોકલાયેલી ફિલ્મો ‘બેસ્ટ ફિલ્મ’ સહિત તમામ મુખ્ય કેટેગરી માટે પાત્ર બની શકે છે, જ્યાં એવોર્ડ ફિલ્મના નામે મળે છે, દેશના નહીં. જનરલ એન્ટ્રી માટે ફિલ્મને એકેડેમીની થિયેટ્રિકલ રન, ટેકનિકલ અને RAISE ગાઇડલાઇન્સનું પાલન કરવું જરૂરી હોય છે, જે વૈશ્વિક સ્તરે સમાન પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે.
આ વર્ષે વિશ્વભરમાંથી કુલ 317 ફીચર ફિલ્મો ઓસ્કાર માટે કન્સિડરેશનમાં આવી છે, જેમાંથી 201 ફિલ્મો ‘બેસ્ટ ફિલ્મ’ કેટેગરી માટે લાયક ઠરી છે. આવનારા 98માં ઓસ્કાર એવોર્ડ્સમાં આ તમામ ફિલ્મો ભાગ લેશે, જેને અનૌપચારિક રીતે ઓસ્કાર 2025 પણ કહેવામાં આવી રહ્યું છે. આ લિસ્ટમાં ‘કાંતારા ચેપ્ટર 1’ અને ‘તન્વી: ધ ગ્રેટ’ બંનેનો સમાવેશ થવો ભારતીય સિનેમા માટે ગર્વની વાત છે. એક તરફ દેશની નજર ‘હોમબાઉન્ડ’ પર ટકી છે, તો બીજી તરફ આ બે ફિલ્મોની ઓસ્કાર રેસમાં એન્ટ્રી ભારત માટે આ વર્ષે મોટી અને ઉત્સાહજનક શક્યતાઓનું સંકેત આપી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel