ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે એક ઐતિહાસિક 10 વર્ષનો સંરક્ષણ કરાર હસ્તાક્ષર થયો છે, જે બંને દેશોની રક્ષા ભાગીદારીને નવા સ્તરે લઈ જશે. આ કરાર પર હસ્તાક્ષર માટે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં વ્યક્તિગત રીતે હાજર રહ્યા હતા, જ્યારે અમેરિકાની તરફથી સંરક્ષણ સચિવ પીટ હેગસેથ ઉપસ્થિત રહ્યા હતા.
કરાર પછી પીટ હેગસેથે જણાવ્યું કે, “આવો કરાર પહેલા ક્યારેય થયો નથી. ભારત અને અમેરિકા વચ્ચેના આ 10 વર્ષના સંરક્ષણ કરારનો હેતુ માત્ર લશ્કરી સહયોગ વધારવાનો નથી, પણ બંને દેશો વચ્ચે લાંબા ગાળાના વ્યૂહાત્મક સંકલન અને પ્રાદેશિક સ્થિરતા જાળવવાનો પણ છે.” તેમણે ઉમેર્યું કે આ કરાર ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને મજબૂત બનાવવામાં સહાયક સાબિત થશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ આ કરારને ભારત-અમેરિકા સંબંધોમાં નવા યુગની શરૂઆત ગણાવી હતી.
#WATCH | Kuala Lumpur: Defence Minister Rajnath Singh and US Secretary of War Pete Hegseth exchange an Agreement on the framework for the US-India major defence partnership. pic.twitter.com/YUJN0kyMPq
— ANI (@ANI) October 31, 2025
આ કરાર હેઠળ બંને દેશો સંરક્ષણ ક્ષેત્રમાં અનેક મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ કરશે. તેમાં સૌથી મહત્વપૂર્ણ છે – સંયુક્ત લશ્કરી તાલીમ અને અભ્યાસ, અદ્યતન હથિયારો અને સંરક્ષણ સાધનોનું સંયુક્ત ઉત્પાદન, તેમજ નવી રક્ષા તકનીકોના વિકાસ માટે ભાગીદારી. આ સાથે અમેરિકાની કેટલીક અદ્યતન સંરક્ષણ ટેકનોલોજી હવે ભારત સાથે વહેંચાશે, જે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને વધુ બળ આપશે અને ભારતીય રક્ષા ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવા મદદરૂપ થશે.
કરાર હેઠળ બંને દેશોની ગુપ્તચર એજન્સીઓ વચ્ચે સુરક્ષા અને આતંકવાદ સંબંધિત માહિતીના આદાનપ્રદાનની વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવશે. આ પગલાથી દક્ષિણ એશિયા અને ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં વધતા આતંકવાદી ખતરાઓ અને પ્રાદેશિક પડકારોનો વધુ અસરકારક રીતે સામનો કરી શકાશે.
એકંદરે, આ 10 વર્ષનો સંરક્ષણ કરાર ભારત અને અમેરિકાની રક્ષા, ટેકનોલોજી, અને સુરક્ષા ભાગીદારીને નવા સ્તરે લઈ જઈને બંને દેશોને વૈશ્વિક સુરક્ષા અને સ્થિરતાના કેન્દ્રમાં વધુ પ્રભાવશાળી બનાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel