૩૧ ઓક્ટોબર, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસરે નડિયાદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડથી દેસાઈવગો સ્થિત સરદાર પટેલના જન્મ સ્થળ સુધી યોજાયેલી આ રેલીમાં રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સૌ નગરજનોએ ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવા માટે શપથ લીધા હતા. સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા એસઆરપી ગ્રાઉન્ડથી એકતા રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને મહાનગરપાલિકા કમિશનર જી.એચ.સોલંકી સહિતના મહાનુભાવોએ એકતા રેલીમાં દોડ લગાવી હતી. જેમાં નગરજનોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ જય સરદાર અને વંદે માતરમના નારા સાથે નડિયાદ શહેરને ગુંજાવ્યું હતું.

રેલી દરમિયાન બસ સ્ટેન્ડ સ્થિત સરદાર સાહેબની પ્રતિમાને અને દેસાઈવગો સ્થિત સરદાર પટેલના જન્મ સ્થળ પર આવેલ ગાંધીજીની પ્રતિમા તથા ગર્ભગૃહમાં સરદાર સાહેબને સુતરની આંટી તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરવામાં આવ્યા હતા.
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સરદાર પટેલનો જન્મ અહીં થયો અને પ્રારંભિક શિક્ષણ પણ નડિયાદમાં થયેલું છે. સરદાર સાહેબના આ અમૂલ્ય વારસાને સંપૂર્ણ સુરક્ષિત રીતે સાચવવામાં આવ્યો છે. આ પ્રસંગે પૂર્વ મિનિસ્ટર દિનશા પટેલ તેમજ સરદાર પટેલના વારસદારે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

આ અવસરે પોલીસ અધિક્ષક વિજય પટેલ અને પંચાયત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી ૨૮ બટાલિયનના અને એનએસએસના કેડેટ્સ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, તથા જિલ્લાના સૌ પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.
યેશા શાહ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel