દિલ્હીના શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાહિલ દ્વારા નિર્દયતાથી છરીના ઘા મારીને હત્યા કરાયેલી 16 વર્ષની છોકરીની પોલીસે ઓળખ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી સાહિલ યુવતીનો બોયફ્રેન્ડ હતો. તેની ઉંમર 20 વર્ષ છે. સાહિલ અને યુવતી વચ્ચે સંબંધ હતા, પરંતુ રવિવારે બંને વચ્ચે ફોન પર કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, જેના કારણે સાહિલ ગુસ્સે થઈ ગયો હતો.
પોલીસે જણાવ્યું કે, રાત્રે યુવતી તેના મિત્રના પુત્રની બર્થડે પાર્ટીમાં ભાગ લેવા જઈ રહી હતી. ઝઘડા દરમિયાન યુવતીએ આ વાતની માહિતી સાહિલને આપી હતી. તેથી જ સાહિલ જાણતો હતો કે તે કયા રસ્તે જશે. પોલીસે જણાવ્યું કે, સાહિલે યુવતીની હત્યા કરવાની યોજના બનાવી હતી. પ્લાનિંગ મુજબ સાહિલ પહેલા તેને રસ્તામાં રોકે છે. આ પછી, તે તેના પર છરી વડે ઉપરા ઉપરી કુલ 36 વાર છરીના ઘા મારીને હુમલો કર્યો.
પોલીસે જણાવ્યું કે પછી સાહિલ નજીકમાં રાખેલો એક પથ્થર લઈ લે છે, જેનાથી તે યુવતીને કચડી નાખે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ કબજે લેવામાં આવ્યા છે. તેની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ પોલીસે એમ પણ કહ્યું છે કે આશ્ચર્યની વાત એ છે કે ત્યાંથી પસાર થતા લોકોએ આરોપી યુવકને રોકવાની હિંમત કરી ન હતી. તેમજ પોલીસને જાણ કરવાની પણ કોઈએ દરકાર કરી નહોતી.
#WATCH | “A murder case was reported yesterday in the Shahbad Dairy PS limits. A team has been formed and an investigation is underway. The accused has been identified. We will soon arrest him,” says Suman Nalwa, Deputy Commissioner of Police, Delhi https://t.co/xInXpM46He pic.twitter.com/bNZC68Aqf6
— ANI (@ANI) May 29, 2023
સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે, જ્યારે સાહિલ યુવતી પર ઉપરા ઉપરી ઘા મારી રહ્યો છે ત્યારે લોકો ત્યાંથી પસાર થાય છે, પરંતુ તેને કોઈ રોકતા નથી. જો તેને અટકાવવામાં આવ્યો હોત તો સંભવ છે કે છોકરીનો જીવ બચી ગયો હોત. પોલીસે જણાવ્યું કે હાલ આરોપી ફરાર છે. તેની ઓળખ થયા બાદ તેની શોધમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. શાહબાદ ડેરી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે.
દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુમન નલવાએ કહ્યું, “શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. આરોપીની ઓળખ થઈ ગઈ છે. અમે ટૂંક સમયમાં તેની ધરપકડ કરીશું.”
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પણ આ ઘટના વિશે ટ્વિટ કર્યું. સ્વાતિ માલીવાલે કહ્યું કે મેં આવો ભયાનક કેસ અગાઉ ક્યારેય જોયો નથી. દિલ્હી મહિલાઓ અને છોકરીઓ માટે ખૂબ જ અસુરક્ષિત અને અસંવેદનશીલ છે. જે દિવસે આ દેશની પોલીસ વ્યવસ્થા સુધરશે, તે દિવસે કોઈ પણ મહિલા કે બાળકી સામે કંઈ કરવાની કોઈ હિંમત નહીં કરે. આજે જે થઈ રહ્યું છે તે કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે.