શિક્ષણ ક્ષેત્રે ગુડ ન્યુઝ એ છે કે અમેરિકાની ૧૭ યુનિવર્સિટીઓનું પ્રતિનિધિમંડળ હાલ ભારતની ૨૬ શિક્ષણસંસ્થાઓની મુલાકાતે આવ્યું છે, જે બીજી માર્ચ સુધી ભારતમાં રહેશે. ત્રણ શહેરોની શિક્ષણસંસ્થાઓ સાથે આ પ્રતિનિધિમંડળ બેઠકો કરશે અને બંને દેશો વચ્ચે શિક્ષણની ગાંઠને વધુ મજબૂત કરશે. આ પ્રતિનિધિમંડળ ભારતની શિક્ષણસંસ્થાઓ સાથે ભાગીદારી કરવા માટે મંત્રણા કરશે. ભારતની શિક્ષણસંસ્થાઓ માટે એમેરિકાની ૧૭ યુનિવર્સિટીઓનું પ્રતિનિધિમંડળ સુવર્ણ તક લઇને આવ્યું છે એમ કહી શકાય. આ મંડળ જે શહેરોની મુલાકાત લેવાનું છે, તે છે દિલ્હી, મુંબઇ અને હૈદરાબાદ.
એક તરફ જ્યારે વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા વધ્યા છે ત્યારે વિદેશની યુનિવર્સીટીઓ ભારત સાથે ભાગીદારી કરવા માગે છે તે વિદ્યાર્થીજગત અને વાલીઓમાટે માટે મહત્ત્વની ઘટના છે.
ગયા વર્ષે ભારતના વડાપ્રધાન અને અમેરિકાના પ્રમુખ વચ્ચે બેઠક થઇ ત્યારે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની વાત થઇ હતી. બંને દેશની સરકારો પરસ્પર ઉપયોગી બની શકાય તે રીતે વ્યૂહ અપનાવી રહ્યા છે.
ભારત એક યુવાન દેશ છે. વિદેશી યુનિવર્સિટીનું શિક્ષણ મેળવવા માગતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા નાનીસૂની નથી. ટોચની યુનિવર્સીટીઓ ભારતની શિક્ષણ સંસ્થાઓ સાથે ભાગીદારી કરશે એટલે ભારતમાં આ યુનિવર્સિટીઓના કેમ્પસ પણ બની શકે. તેને સેટેલાઇટ કેમ્પસ કહે છે. આ સિવાય ઓનલાઇન એજ્યુકેશનનો વિકલ્પ તો છે જ.
ભારતના વિદ્યાર્થીઓ અમેરિકન યુનિવર્સિટીમાં એડમિશન લઈને ઘરબેઠાં ઓનલાઇન શિક્ષણ લે તેમાં કંઈ ખોટું નથી. શરત એટલી જ કે આ ઓનલાઇન શિક્ષણનું સ્તર ખાસ્સું ઊંચું હોય.
કેટલીક શિક્ષણસંસ્થાઓએ વિદેશના પ્રતિનિધિમંડળના આવકારતાં કહ્યું છે કે ભારતના શિક્ષણ જગત માટે આ તક સામે ચાલીને આવી છે. અમે આ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને આગળ વધીશું. કેનેડા, યુકે, એાસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશોમાં ભારતના ૨૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ જોવા મળે છે, જ્યારે અમેરિકાની યુનિવર્સિટીઓમાં માંડ છ ટકા ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે. આ સંજોગોમાં વધુ ભારતીય વિદ્યાર્થીઓને ઘરઆંગણે લાભ આપી શકાય એવી તક આવી છે એમ કહી શકાય.
અમેરિકાની ૧૭ યુનિવર્સિટીઓના પ્રતિનિધિમંડળના એજન્ડામાં ભારતમાં ટેકનિકલ એજ્યુકેશન તેમજ બિઝનેસના વિષયોનું શિક્ષણ આપવું તેમજ તે માટેની સહાય આપવાના મુદ્દા સમાવી લેવામાં આવ્યા છે. આ ૧૭ યુનિવસિટીઓમાં કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સીટી – લોંગ બીચ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા – બર્કલી, ડીપૉલ યુનિવર્સિટી, યુનિવસિટી ઓફ કેલિફોર્નિયા – ડેવિસ, ઇસ્ટ ટેનેસી સ્ટેટ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટન, ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ ઇલિનોઇ, મિશીગન યુનિવર્સિટી વગેરેનો સમાવેશ થાય છે.
અહીં મહત્ત્વની એ વાત છે કે અમેરિકામાં ચાલતી કેટલીક બોગસ યુનિવર્સિટીમાં એડમિશન લઇને ભારતના વિદ્યાર્થીઓ ફસાતા હોય છે. કેટલાકને તો એરપોર્ટ પરથી જ પાછા મોકલી દેવાય છે. અમેરિકાથી આવેલા પ્રતિનિધિમંડળને આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે.
સિક્કાની બીજી બાજુ તરફ પણ ધ્યાન દોરવું જરૂરી છે. ભારતના હજારો વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા માટે જઇને ત્યાં પાર્ટટાઇમ જોબ શોધતા હોય છે. તેમનો મુખ્ય આશય વાલીઓએ લીધેલી મોંઘીદાટ સ્ટુડન્ટ્સ લોન કે દેવાની ચૂકવણી કરવાનો હોય છે. આવા વિદ્યાર્થીઓ ભણવામાં ઓછું અને કમાવા પર વધુ ધ્યાન આપે છે. તેઓ કોઇ પણ કામ કરવા તૈયાર હોય છે, જેના કારણે તે સ્થાનિક લોકોની રોજગારીને ફટકો લાગે છે. આ સ્ટુડન્ટ્સનું ફોકસ ભણવાને બદલા કમાવા પર આવી જવાથી તેઓ ઇચ્છા-અનીચ્છાએ ભણતરને દૂર રહેવા લાગે છે.
ખેર, અમેરિકાનું પ્રતિનિધિમંડળ ભારતના વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક લઇને આવ્યું છે તે ઝડપી લઈને તેનો ખરો ઉપયોગ કરવો જોઇએ.