બિપરજોય વાવાઝોડાએ દરિયાઈ કાંઠા ક્ષેત્રોમાં ભારે તબાહી મચાવી હોય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વાવાઝોડાના કારણે મકાનો-દુકાનોના પતરાના શેડ ફંગોળાયા છે. મુખ્ય માર્ગ ઉપર વીજ થાંભલા અને વૃક્ષો ધરાસાયી થયા છે. અને અનેક શહેર ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
આ પરિસ્થિતિ થાળે પડતા અંદાજે 15 થી 20 દિવસનો સમય લાગી શકે તેમ છે. જેથી રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી સાથે એનડીઆરએફના જવાનો લોકોને બનતી મદદ પૂરી પાડી રહ્યા છે. આ ઉપરાંત એસડીઆરએફ, સરકારી વિભાગો, સૈન્ય, ફાયર વિભાગ અન્ય સેવાભાવી લોકો અને સંસ્થાઓ પણ બચાવ કાર્યમાં જોડાયા છે. અત્યારે નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરાતા મોટી જાનહાની ટળી છે.