2,000 રૂપિયાની નોટો બદલવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2023 નક્કી કરવામાં આવી હતી જેમાં હવે RBI લોકોને થોડી રાહત આપી સમયગાળાને વધાર્યો છે. RBIએ 2,000 રૂપિયાની નોટો બદલવાની અંતિમ તારીખ 07 ઑક્ટોબર 2023 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. તમારી પાસે પડેલી 2000 રૂપિયાની નોટો શક્ય તેટલી વહેલી તકે નજીકની બેંકમાં બદલો. RBI એ 19 મે, 2023 માં 2000 રૂપિયાની નોટને સર્ક્યુલેશનથી બહાર કરી હતી. તેમજ માર્કેટમાં ફરતી આ નોટને 30 સપ્ટેમ્બર, 2023 પહેલા બેંકમાં જમા કરાવવાની સુચના આપી હતી. જેમાં હવે સાત દિવસનો વધારો કર્યો છે.
2000ની 33,630 લાખ નોટો ચલણમાં હતી
વર્ષ 2017-18 દરમિયાન દેશમાં 2000ની નોટ સૌથી વધુ પ્રચલિત હતી. આ દરમિયાન બજારમાં 2000ની 33,630 લાખ નોટો ચલણમાં હતી. તેમની કુલ કિંમત 6.72 લાખ કરોડ રૂપિયા હતી. 2021માં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં માહિતી આપી હતી કે, છેલ્લા બે વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી.
2016માં રિઝર્વ બેન્કે આ નોટ બહાર પાડી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016એ દેશમાં નોટબંધીનું એલાન કર્યુ હતુ ત્યારે 500 અને 1000 ની નોટ ચલણમાં રદ કરી દેવાઈ હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ખૂબ હાહાકાર મચી ગયો હતો, પરંતુ બાદમાં નવી નોટ કરન્સી માર્કેટનો ભાગ બની. સરકારે 200, 500 અને 2000ની નોટ લોન્ચ કરી હતી પરંતુ હવે આમાંથી 2 હજારની નોટ પાછી મંગાવવામાં આવી છે, નવેમ્બર 2016માં નોટબંધી બાદ આગામી અમુક મહિનાઓ સુધી દેશમાં ખૂબ અફરાતફરીનો માહોલ બની રહ્યો હતો. લોકોને જૂની નોટ જમા કરાવવા અને નવી નોટ મેળવવા માટે બેન્કોમાં લાંબી લાઈનોમાં ઊભુ રહેવુ પડ્યુ હતુ.