રિઝર્વ બેન્ક દ્વારા રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટસ પાછી ખેંચાયા બાદ દેશની બેન્કોમાં જમા અથવા એકસચેન્જ કરાયેલી રૂપિયા ૨૦૦૦ની નોટસમાંથી મોટાભાગની નોટસ વેપાર ગૃહો તરફથી પ્રાપ્ત થઈ છે, રિટેલ ખાતેદારોથી બહુ ઓછા પ્રમાણમાં રૂપિયા ૨૦૦૦ની નોટસ જમા અથવા એકસચેન્જ કરાઈ છે, એમ બેન્કિંગ ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું.
૩૧ જુલાઈ સુધીમાં રૂપિયા ૩.૧૪ લાખ કરોડના મૂલ્યની અથવા ૮૮ ટકા રૂપિયા ૨૦૦૦ની નોટસ બેન્કોમાં પરત આવી ગઈ હોવાનું રિઝર્વ બેન્કે વર્તમાન મહિનાના પ્રારંભમાં જણાવ્યું હતું.
રૂપિયા ૨૦૦૦ની નોટસ પાછી ખેંચવાના નિર્ણય બાદ દેશની બેન્કોમાં મોટી માત્રામાં લિક્વિડિટી વધી જતા રિઝર્વ બેન્કે ગયા સપ્તાહમાં બેન્કો માટે દસ ટકા ઈન્ક્રીમેન્ટલ કેશ રિઝર્વ રેશિયો (આઈ-સીઆરઆર) દાખલ કર્યો છે.
અમારી પાસે પરત આવેલી રૂપિયા ૨૦૦૦ની નોટસમાંથી અંદાજે ૬૦ ટકા નોટસ વેપાર ગૃહો પાસેથી આવી છે બાકીની વ્યક્તિગત થાપણદારો તરફથી મળી છે, એમ યુકો બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.
સિટી યુનિયન બેન્કના એક અધિકારીએ પોતાની બેન્કમાં ૯૦ ટકા રૂપિયા ૨૦૦૦ની નોટસ મોટા ખાતેદારો તરફથી આવી હોવાનો દાવો કર્યો હતો.
વેપાર ગૃહો મોટેભાગે લોન્સ જમા કરાવે છે, જ્યારે વ્યક્તિગત ખાતેદારો એકસચેન્જમાં લઈ જાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્તમાન વર્ષના ૧૯મી મેએ સરકારે રૂપિયા ૨૦૦૦ની નોટસ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી અને બેન્કોને નોટસ પરત કરવા ૩૦ સપ્ટેમ્બર સુધીનો સમયગાળો અપાયો છે.
૩૧ જુલાઈના અંતે માત્ર રૂપિયા ૪૨ હજાર કરોડના મૂલ્ય સાથેની રૂપિયા ૨૦૦૦ની નોટસ ચલણમાં હતી. નોટબંધીના કાળમાં દાખલ કરાયેલી રૂપિયા ૨૦૦૦ની નોટસને સરકારે ૨૦૧૮-૧૯થી પ્રિન્ટ કરવાનું બંધ કરી દીધું હતું.
૩૧મી માર્ચ ૨૦૨૩ના અંતે કુલ રૂપિયા ૩.૬૨ લાખ કરોડના મૂલ્યની રૂપિયા ૨૦૦૦ની નોટસ સર્ક્યુલેશનમાં હતી. જે દેશમાં સર્ક્યુલેશનમાં રહેલી કુલ નોટસમાંથી ૧૦.૮૦ ટકા જેટલી હતી.