જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 01 એપ્રિલ સુધી પ્રશિક્ષણ વર્ગોનું આયોજન
અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા વિસ્તારોમાં 6550 પ્રિસાઈડિંગ ઓફિસર, 6548 પોલિંગ ઓફિસર-1, 3528 પોલિંગ ઓફિસર અને 10,000 ફિમેલ પોલિંગ ઓફિસરને અપાઈ રહી છે
અમદાવાદ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 28, 30 અને 1 એપ્રિલના દિવસોમાં ચૂંટણી કામગીરી કરનારા કર્મચારીઓ/અધિકારીઓના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમ વર્ગો વિશે માહિતી આપતા ડેપ્યુટી કલેક્ટર સુશ્રી રિદ્ધિ શુક્લએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા વિસ્તારોમાં યોજાનારા તાલીમ વર્ગોમાં કુલ 5432 મતદાન મથકોના 26,626 કર્મીઓને ચૂંટણી કામગીરી માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
આ પ્રશિક્ષણ વર્ગોમાં 6550 પ્રિસાઈડિંગ ઓફિસર, 6548 પોલિંગ ઓફિસર-1, 3528 પોલિંગ ઓફિસર અને 10,000 ફિમેલ પોલિંગ ઓફિસરને મતદાનના દિવસે કરવાની થતી કામગીરીથી લઈને મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા સુધીની તમામ કામગીરી અંગે વિગતવાર જાણકારી આપીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ તાલીમ વર્ગોમાં માસ્ટર ટ્રેનર્સની ટીમ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, પોસ્ટલ બેલેટ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવે છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળો પર તાલીમની કામગીરી ચાલી રહી છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ વિરમગામ(39), સાણંદ(40), ઘાટલોડિયા (41), વેજલપુર(42), વટવા (43), એલીસબ્રીજ(44), નારણ પુરા (45), નિકોલ (46), નરોડા(47), ઠક્કરબાપાનગર (48), બાપુનગર(49), અમરાઈવાડી(50), દરિયાપુર(51), જમાલપુર-ખાડિયા(52), મણીનગર(53), દાણીલીમડા (54), સાબરમતી(55), અસારવા(56), દસ્ક્રોઈ (57), ધોળકા(58), ધંધુકા(59)વિધાનસભા મતવિસ્તારના પ્રિસાઈડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર અને ફિમેલ પોલિંગ ઓફિસર માટે તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે.