શ્રાવણ માસ દરમિયાન ચાલતી કાવડ યાત્રા વચ્ચે સાંપ્રદાયિક માહોલ બગાડવાના આરોપસર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં (Muzaffarnagar) ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ પાકિસ્તાનનો એક જૂનો વિડીયો મુરાદાબાદનો દર્શાવીને વાયરલ કર્યો હતો.
તાજેતરમાં મુઝફ્ફરનગર પોલીસના ધ્યાને એક વિડીયો આવ્યો હતો, જે સ્થાનિક વોટ્સએપ ગ્રુપમાં ફરી રહ્યો હતો. વિડીયોમાં મારામારી અને ખૂન-ખરાબાનાં દ્રશ્યો જોવા મળે છે. તપાસ કરી તો જાણવા મળ્યું કે વિડીયો પાકિસ્તાનનો છે અને ગત વર્ષનો છે, જેને ભારત કે UP સાથે કશું જ લાગતું-વળગતું નથી.
પોલીસે તપાસ કરીને આ વિડીયો ફરતો કરનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓની ઓળા નદીમ, મનશેર અને રહીસ તરીકે થઈ છે. આશંકા એવી પણ છે કે પાકિસ્તાનના કોઈ હેન્ડલર દ્વારા વિડીયો આપવામાં આવ્યો હોય, જેનાથી કાવડ યાત્રામાં સાંપ્રદાયિક હિંસા ફેલાઈ શકે.
DIG અભિષેક સિંઘે જણાવ્યું કે, આરોપીઓએ સોશિયલ મીડિયા પર જે વિડીયો શૅર કર્યો હતો તેમાં એક ઘરમાં એક મહિલા અને અમુક બાળકોના મૃતદેહો લોહીથી લથબથ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. ગ્રુપમાં એક ઑડિયો નાખવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિડીયો મુઝફ્ફરનગરના એક ગામનો છે અને હિંદુ સંગઠનના લોકો ઘરમાં ઘૂસીને મુસ્લિમોની હત્યા કરી રહ્યા છે.
હાલ આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ત્રણેયના મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે અને પૂછપરછ પણ ચાલી રહી છે.