અમેરિકામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓનું વર્ચસ્વ વધી રહ્યું છે. હવે એવા અસંખ્ય ભારતીય પરિવારો અમેરિકામાં છે, જેમની પેઢીઓ ત્યાં વસેલી છે. જેને કારણે આજના ગુજરાતી કે ભારતીય યુવાનો અમેરિકાના રાજકારણથી લઈને બિઝનેસમાં આગળ પડતા જોવા મળે છે. માત્ર યુવાનો જ નહીં યુવતીઓ પણ અમેરિકામાં ભારતનું નામ રોશન કરી રહી છે. તાજેતરમાં જ 2024 માટે પાવર ઓફ વિમેન એવોર્ડની જાહેરાત થઈ છે, જેમાં ત્રણ ભારતીય મૂળની મહિલાઓને આ એવોર્ડથી સન્માનવામાં આવનાર છે.
આ વર્ષે 14 મહિલાઓને પાવર ઓફ વીમેન ઓનરરી એવોર્ડથી સન્માનવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ 14 મહિલાઓમાં જુદા જુદા કંપનીના સીઈઓ, પ્રેસિડેન્ટ, સંસ્થાપકોનો સમાવેશ થાય છે, જેમણે શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું છે. આ 14 મહિલાઓમાં ત્રણ મૂળ ભારતીય મહિલાઓ અનુપમા વૈદ, શાલિની શર્મા અને બીજલ શાહ પણ સામેલ છે.
આ તમામ મહિલાઓને 17 એપ્રિલના રોજ સેન ડિયાગોમાં યોજનાર ASU-GSV સમિટ દરમિયાન આ એવોર્ડથી સન્માનવામાં આવશે. આ એવોર્ડ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. પરંતુ, અહીં ભારતીય અને ગુજરાતી નાગરિકો તરીકે ગર્વની વાત એ છે અમેરિકામાં મૂળ ગુજરાતી અને ભારતીય મહિલાઓ કાઠું કાઢી રહી છે. તેમનું કામ એટલું જબરજસ્ત છે કે અમેરિકા પણ તેમનું સન્માન કરી રહ્યું છે.
અનુપમા વૈદ
અનુપમા વૈદ પેરેન્ટ સ્કેવરના સંસ્થાપક અધ્યક્ષ છે. આ એક ઈન્ટરએક્ટિવ ઓનલાઈન સિસ્ટમ છે, જે સ્કૂલો અને વાલીઓને બાળકોના અભ્યાસને લગતી માહિતી પૂરી પાડે છે. આ પ્લેટફોર્મ તૈયાર કરવાનો આઈડિયા અનુપમાને 2010માં આવ્યો હતો. અનુપમાજીએ દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી 1997માં બીઈની ડિગ્રી મેળવી હતી, બાદમાં તેઓ અમેરિકામાં સ્થાયી થયા છે. આ એવોર્ડ મળવા બદલ તેમણે લિંક્ડ ઈન પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી છે.
શાલિની શર્મા
શાલિની શર્મા Zearn નામની સંસ્થાના સહ સંસ્થાપક અને અધ્યક્ષ છે. આ એનજીઓ એજ્યુકેશનલ સોફ્ટવેર ઓર્ગેનાઈજેશન તરીકે 2012માં Zearn Mathની શરૂઆત કરી ચૂકી છે. જેનો ઉદ્દેશ્ય એલિમેન્ટ્રી સ્ટુડન્ટ્સને ગણિટના અઘરા દાખલા, મોડેલ્સ, પ્રમેયને આપણી આસપાસ બનતી ઘટનાઓના ઉદાહરણ દ્વારા સમજાવાનો છે. શાલિનીએ હાવર્ડ બિઝનેસ સ્કૂલ અને બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ બ્રેવન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બ્રાઉન યુનિવર્સિટી એડવાઈઝરી કાઉન્સિલના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
બીજલ શાહ
બીજલ શાહ Guildના વચગાળાના સીઈઓ છે. આ કંપની નોકરિયાત યુવાનોની સ્કીલને ડેવલપ કરીને તેમને કરિયરમાં આગળ વધવામાં મદદ કરે છે. આ પહેલા બીજલ શાહ Ibottaમાં લીડરશિપ અને વિઝામાં કોર્પોરેટ સ્ટ્રેટેજીમાં મહત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે. તેઓ Girls Incના ડિરેક્ટોરલ બોર્ડમાં પણ સામેલ છે. આ ઉપરાંત ડેનવર બિઝનેસ જર્નલ તરફથી તેમને 40 અંડર 40 એવોર્ડ પણ મળી ચૂક્યો છે.