થાણે જિલ્લાના મુંબ્રામાં રહેતા અને ધર્મપરિવર્તનના રેકેટના આરોપી શાહનવાઝ ખાન ઉર્ફે બદ્ધોના મોબાઇલમાંથી ૩૦ જેટલા પાકિસ્તાની નંબર મળી આવ્યા હોવાનો ખુલાસો ગાઝીયાબાદના ડીસીપી નિપુન અગ્રવાલે કર્યો છે. આ સિવાય બદ્ધો કથિત રીતે છ ઇ-મેલ ઓપરેટ કરતો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
થાણેથી ટ્રાન્ઝીટ રિમાન્ડ પર બદ્ધોને ગાઝીયાબાદ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને ૧૪ દિવસની અદાલતી કસ્ટડી ફટકારવામાં આવી હતી. આરોપીને પાકિસ્તાનથી અમૂક ઇ-મેલ પણ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે આરોપીના બે મોબાઇલ ફોન અને તેના કોમ્પ્યુટરનું સીપીયુ જપ્ત કરી તેની ફોરેન્સિક તપાસ હાથધરી છે. આ સંદર્ભે માધ્યમોને વધુ વિગત આપતા ડીસીપી અગ્રવાલે જણાવ્યું હતું કે ખાનના મોબાઇલમાંથી ૩૦ પાકિસ્તાની નંબર મળી આપ્યા બાદ અમે આ દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. તે સિવાય તેને પાકિસ્તાનથી અમૂક ઇ-મેલ પણ આવ્યા છે.
આ ફોન નંબર કોના છે અને તેને કોના ઇ-મેલ પાકિસ્તાનથી આવ્યા છે તેની વધુ તપાસ અમે કરી રહ્યા છીએ. જો આ તપાસમાં કાંઇ ઉશ્કેરણીજનક કે કાંઇ અનપેક્ષિત મળી આવશે તો અમે આરોપી સામે નેશનલ સિક્યુરિટી એકટ હેઠળ કઠોર કાર્યવાહી કરીશું.
આરોપી હાલ ગાઝીયાબાદ જિલ્લાની જેલમાં બંધ છે અને પોલીસ તેની વધુ પૂછપરછ માટે ટુંક સમયમાં અદાલત પાસે તેની કસ્ટડી માગવાની છે તેવું અગ્રવાલે સ્પષ્ટ કર્યું હતું. ગાઝીયાબાદના કવિનગર વિસ્તારની એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે ઓનલાઇન ગેમિંગ એપની મદદથી તેમના સગીર પુત્રનું ધર્મપરિવર્તન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યુપી પોલીસની એસટીએફએ સર્વેયલન્સની મદદથી આરોપી મુંબ્રામાં હોવાનું શોધી કાઢયું હતું.
જો કે આરોપી ભાગી છૂટયો હતો ત્યારબાદ યુપીની પોલીસે મુંબ્રા પોલીસની મદદથી આરોપીને અલીબાગથી પકડી પાડયો હતો.