સત્તાવાળાઓએ ૮૧૦૦ કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડી પાડી છે. આ જીએસટી ચોરી સમગ્ર દેશના ૪૯૦૯ નકલી બિઝનેસ એકમો દ્વારા કરવામાં આવી હતી તેમ મધ્ય પ્રદેશના ટેક્સ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
મધ્ય પ્રદેશના કોમર્શિયલ ટેક્સ કમિશનર લોકેશ કુમાર જાટવે જણાવ્યું હતું કે રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ડિપાર્ટમેન્ટને ઇન્દોરમાં એક કંપનીના ઇ વે બિલોની મહિના સુધી ચાલેલી તપાસ દરમિયાન મોટી કરચોરીના સંકેત મળ્યા હતાં.
તેમણે જણાવ્યું હતું કે ઉંડી તપાસના અંતે સમગ્ર દેશમાં ૪૯૦૯ શંકાસ્પદ બિઝનેસ એકમો મળી આવ્યા હતાં. જે પૈકી દિલ્હીમાં સૌથી વધુ ૧૮૮૮ નકલી એકમો, ઉત્તર પ્રદેશમાં ૮૩૧, હરિયાણામાં ૪૭૪, તમિલનાડુમાં ૨૧૦, મહારાષ્ટ્રમાં ૨૦૧, તેલંગણામાં ૧૬૭ અને મધ્ય પ્રદેશમાં ૧૩૯ નકલી એકમો મળી આવ્યા છે.
જાટવના જણાવ્યા અનુસાર આ ૪૯૦૯ એકમોની તપાસમાં જાણવા મળ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ના જીએસટી રિટર્નમાં ૨૯૦૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર દર્શાવવામાં આવ્યું હતું. તપાસકર્તાઓએ ૮૧૦૩ કરોડ રૂપિયાની ટેક્સ ચોરી શોધી કાઢી છે.
આ ટેક્સ ચોરી બોગસ બિઝનેસ અને નકલી બિલો દ્વારા જીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો અયોગ્ય લાભ મેળવીને કરવામાં આવી હતી.
મધ્ય પ્રદેશનું જીએસટી ડિપાર્ટમેન્ટ ટેક્સ ચોરીની વિગતવાર તપાસ હાથ ધરશે. આ માટે તે અન્ય રાજ્યોના સંબધિત સત્તાવાળાઓની મદદ લેશે અને આરોપીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરશે.