Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 27°C

કોંગ્રેસના 50 MLA એકઝાટકે ભાજપમાં થશે સામેલ, જતી રહેશે સત્તા: પૂર્વ CMના નિવેદનથી કર્ણાટક રાજ્યના રાજકારણમાં હડકંપ

કોંગ્રેસના 50 MLA એકઝાટકે ભાજપમાં થશે સામેલ, જતી રહેશે સત્તા: પૂર્વ CMના નિવેદનથી કર્ણાટક રાજ્યના રાજકારણમાં હડકંપ

જનતા દળ સેક્યુલર એટલે કે, JDSના નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ સત્તાધારી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે સાથો સાથ એક મોટી ભવિષ્યવાણી પણ કરી છે. લોકસભા ચૂંટણી બાદ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પડી જશે તેવો દાવો કરતાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના એક ટોચના મંત્રીની કેન્દ્રમાં ભાજપના નેતાઓ સાથે વાતચીત ચાલી રહી છે અને તેઓ લોકસભા પછી કેટલાક ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાશે. કુમારસ્વામીએ કહ્યું હતું કે, તેમની પાસે માહિતી છે કે કોંગ્રેસના એક મંત્રીએ કેન્દ્રમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કર્યા બાદ ખાતરી આપી છે કે લોકસભા ચૂંટણી પછી તેઓ 50 ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાશે. તેમણે છ મહિનાનો સમય માંગ્યો છે જેથી તે પોતાની સાથે 50 કે 60 ધારાસભ્યો પક્ષ પલટો કરાવી શકે. જોકે, તેમણે કોંગ્રેસના મંત્રીનું નામ જાહેર કર્યું ન હતું.

મુખ્યમંત્રી પર ટીકા કરી

કુમારસ્વામીએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પછી કંઈ પણ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં જે બન્યું એવું જ કંઈક અહીં પણ થઈ શકે છે. પક્ષ પ્રત્યે કોઈ પ્રમાણિક કે પ્રતિબદ્ધ નથી. નેતાઓ તેમના અંગત ફાયદાને પ્રાધાન્ય આપશે. રાજકારણમાં આવું હંમેશા ચાલતું આવ્યું છે. સામાજિક-આર્થિક સર્વેનો ઉલ્લેખ કરતાં કુમારસ્વામીએ કહ્યું, મુખ્યમંત્રી જાતિ ગણતરીના નામે લોકોને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અલ્પસંખ્યકોના વિકાસ માટે 10,000 કરોડના મુખ્યમંત્રીના આશ્વાસનની પણ ટીકા કરતા કુમારસ્વામીએ કહ્યું કે,તેઓ મુસ્લિમો માટે ભંડોળ પૂરું પાડવાની વિરુદ્ધ નથી, પરંતુ હિન્દુઓનું શું? બધા હિન્દુઓ ઉચ્ચ જાતિના નથી, દલિતો અને ગરીબો પણ છે તેમનો શું?

કોપરાના ભાવ મુદ્દે શું કહ્યું ?

કોપરાના ભાવમાં ઘટાડા અંગે કુમારસ્વામીએ જણાવ્યું હતું કે હસન, તુમાકુરુ અને અન્ય જિલ્લાઓમાં નાળિયેર ઉત્પાદકોને ભાવ ઘટવાથી નુકસાન થયું છે. રાજ્ય સરકારે માત્ર રૂ. 1,200 પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવની જાહેરાત કરીને નાળિયેર ઉત્પાદકો સાથે ભીખારી જેવો વ્યવહાર કર્યો છે. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવા છતાં તેઓ આ મુદ્દા પર રાજ્ય અને કેન્દ્ર બંનેને જાગૃત કરવા માટે વિધાનસભા સત્ર પછી અરાસીકેરેથી તુમકુરુ સુધી પદયાત્રા નીકાળશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.