બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બર ગુરુવારે સવારે સાત વાગ્યે શરૂ થયું, જેમાં કુલ 121 બેઠકો પર મતદાન યોજાયું. આ તબક્કામાં 3.75 કરોડથી વધુ મતદારોએ 1314 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરવો છે. આ તબક્કાને ખાસ રાજકીય મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે તેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ચહેરા તેજસ્વી યાદવ, તેમજ ભાજપના મુખ્ય નેતા સમ્રાટ ચૌધરી અને ઉપમુખ્યમંત્રી વિજયકુમાર સિન્હા સહિત 16 મંત્રીઓનું રાજકીય ભવિષ્ય દાવ પર છે.
તેજસ્વી યાદવ પોતાનું ગઢ માનાતા રાઘોપુર મતવિસ્તારથી સતત ત્રીજી જીત મેળવવા માટે મેદાનમાં છે. તેમનો સામનો ભાજપના સતીશ કુમાર સાથે છે, જેમણે 2010માં જનતા દળ (યુનાઇટેડ)ના ઉમેદવાર તરીકે તેજસ્વીની માતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. આ બેઠક પર જન સુરાજ પાર્ટીના ચંચલ સિંહ પણ ચૂંટણી મેદાનમાં છે, જેના કારણે ત્રિકોણીય ટક્કર જોવાની સંભાવના છે.
60.13% approximate voter turnout recorded in the first phase of #BiharElection2025, till 5 pm. pic.twitter.com/MaFyWHiC6X
— ANI (@ANI) November 6, 2025
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બિહારમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. બપોરના 1 વાગ્યા સુધી 42.31 ટકા મતદાન નોંધાયું હતું, જેમાં ગોપાલગંજ જિલ્લામાં સૌથી વધુ 46.73 ટકા અને પટણા જિલ્લામાં સૌથી ઓછું 37.72 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારબાદ ત્રણ વાગ્યા સુધીમાં કુલ 53.77 ટકા મતદાન થયું અને સાંજે 5 વાગ્યા સુધી આ આંકડો વધીને 60.13 ટકા સુધી પહોંચી ગયો. જિલ્લાવાર આંકડા મુજબ, બેગુસરાયમાં 67.32 ટકા, સમસ્તીપુરમાં 66.65 ટકા, મધેપુરામાં 65.74 ટકા, ગોપાલગંજમાં 64.96 ટકા, મુઝફ્ફરપુરમાં 64.63 ટકા, અને લખીસરાયમાં 62.76 ટકા મતદાન થયું.
મતદાન દરમિયાન કેટલાક વિસ્તારોમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. લખીસરાયમાં ઉપમુખ્યમંત્રી વિજયકુમાર સિન્હાની કાર પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી હતી. તેમના પર ચપ્પલ ફેંકવામાં આવ્યા અને ‘મુર્દાબાદ’ના નારા લગાવવામાં આવ્યા. પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી અને શાંતિ જાળવવા માટે વધારાનો પોલીસ કાફલો તૈનાત કર્યો.
આ ઘટનાને લઈને વિજય સિન્હા ઉગ્ર થયા અને તેમણે રાજદના કાર્યકરો પર સીધો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે, “આ રાજદના ગુંડા છે. એનડીએ સત્તામાં આવી રહ્યું છે, અને અમે આ લોકોની છાતી પર બુલડોઝર ફેરવીશું.” સિન્હાના જણાવ્યા અનુસાર, તેમના પોલિંગ એજન્ટોને ગામમાં જવા દેવામાં નથી આવતાં અને તેમને મતદાનથી રોકવામાં આવે છે, ખાસ કરીને ખોરિયારી ગામના બુથ નં. 404 અને 405 પર.
#WATCH | Deputy CM and BJP candidate from Lakhisarai constituency, Vijay Kumar Sinha says, "These are the goons of RJD. Satta mein aa rahi hai NDA isliye inke chhati pe bulldozer chalega. The goons are not letting me visit the village. Vijay Sinha is going to win…They turned… https://t.co/4uKBAq7bC0 pic.twitter.com/kY3Ti6Qzl0
— ANI (@ANI) November 6, 2025
આ પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યું છે, તેમ છતાં કેટલીક જગ્યાઓએ છૂટાછવાયા બનાવોએ રાજકીય ગરમી વધારી દીધી છે. રાજ્ય ચૂંટણી આયોગે જણાવ્યું કે તમામ 45341 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે, અને જ્યાં કોઈ અનિયમિતતા નોંધાઈ છે, ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે.
બિહારમાં હવે બધા રાજકીય પક્ષો પ્રથમ તબક્કાના મતદાન પછી બીજા તબક્કાની તૈયારીમાં લાગી ગયા છે, જ્યારે રાજકીય વિશ્લેષકોના મત મુજબ પ્રથમ તબક્કાનું મતદાન આગામી પરિણામો માટેનું મહત્વપૂર્ણ સંકેત બની શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel