તા.૨૧ ફેબુ્રઆરી, બુધવારે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી થશે. તે નિમિત્તે શહેરમા આકૃતિ આર્ટ ગેલેરી ખાતે માતૃભાષા ગૌરવ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રદર્શનના આયોજક સંજય મશીહીએ માતૃભાષા અંગે રસપ્રદ માહિતી આપતા કહ્યું હતું કે ‘સંસ્કૃત’ ભાષાનો આખા વિશ્વની ભાષાઓ ઉપર પ્રભાવ જોવા મળે છે.
તેઓએ ઉમેર્યુ હતું કે ‘સંસ્કૃત વેદકાળની ભાષા છે. સંસ્કૃત ભારતમાં બોલાતી તમામ ભાષાઓની જનની છે. જેમ કે સંસ્કૃતમાં ‘ગૌ’ શબ્દ છે તેમાંથી ગોવી, ગોણી, ગોતા, ગોપોતલિક અને ગાય શબ્દો આવ્યા. જો કે વિદેશી આક્રમણો અને અંગ્રેજોના આધિપત્ય બાદ ભારતમાં સંસ્કૃતનું ચલણ ઘટતુ ગયુ અને ધીમે ધીમે લુપ્ત થઇ રહી છે. મતલબ કે લોકોમાં બોલચાલની ભાષા તરીકે સંસ્કૃતનો ઉપયોગ બંધ થઇ ગયો તેના બદલે હિન્દી, ઉર્દુ, પર્સિયન, ફારસી અને અંગ્રેજીનું ચલણ ભારતમાં વધ્યુ. કાળક્રમે પ્રાકૃત અને અપભ્રંશ સ્વરૃપમાં જૂની ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી, સિંધી, બિહારી, ઊરિયા, સિંહાલી વગેરે ભાષાનો ઉદય થયો. ગ્રીક, સંસ્કૃત અને લેટિન ભાષાના ઊંડા અભ્યાસ બાદ બ્રિટિશ ભાષા શાસ્ત્રી ભાષા વિલિયમ જોન્સે ૧૮મી સદીમાં તારણ કાઢ્યું હતું કે સંસ્કૃતનું બંધારણ અદ્ભૂત છે અને ગ્રીક ભાષા કરતા ચઢિયાતું છે. શબ્દ ભંડોળ લેટિન કરતા પણ સમૃધ્ધ અને શુધ્ધ છે.’
યુનેસ્કોના અહેવાલ પ્રમાણે વિશ્વના ૯૭ ટકા લોકો અંગ્રેજી, ચાઇનિઝ (મેન્ડેરિયન), હિન્દી, સ્પેનિસ અને ફ્રેંચ ભાષા બોલે છે. આ ભાષાઓ વિશ્વની કુલ ભાષાના ૪ ટકા છે. બાકીની ૯૬ ટકા ભાષા બોલનારા માત્ર ૩ ટકા લોકો જ છે. ગઇ સદીમાં આ વિશ્વમાંથી ૬૦૦ ભાષાઓ લુપ્ત થઇ ગઇ. દર બે અઠવાડિયે એક ભાષા લુપ્ત થઇ રહી છે.જો પ્રમાણે ભાષા લુપ્ત થતી રહી તો આ સદીના અંતમાં ૯૦ ટકા ભાષાઓ લુપ્ત થઇ જશે. ભાષાની સાથે જે તે ભાષાનો સાંસ્કૃતિક અને સાહિત્ય વારસો પણ લુપ્ત થઇ જાય છે.