બાંગ્લાદેશમાં પોલીસની હડતાળને કારણે શુક્રવારે 5મા દિવસે પણ સમગ્ર દેશમાં લગભગ 650 પોલીસ સ્ટેશન બંધ રહ્યાં હતાં. બાંગ્લાદેશમાં રહેતા લગભગ 1 કરોડ 30 લાખ હિન્દુની વસ્તી ધરાવતા વિસ્તારોનાં 65 પોલીસમથકે તાળાં છે.
રમખાણો, આગચંપી અને લૂંટફાટની ઘટનાઓને કારણે અહીંના હિન્દુ પરિવારો ભયના ઓથાર તળે જીવી રહ્યા છે. એ તમામ ઘરોમાં કેદ છે. સોમવારની રાતથી પોલીસ હડતાળ પર ઊતરી ગઈ છે. ત્યારથી હિન્દુઓ પરના હુમલાની કોઈ એફઆઇઆર નોંધાઈ નથી કે હિન્દુ બહુમતી વિસ્તારોમાં કોઈ સુરક્ષા તૈનાત કરાઈ નથી.
ઢાકાનાં 50 પોલીસમથકમાંથી 30 તો શુક્રવારે આર્મી સુરક્ષામાં ખોલાવાયાં હતાં પરંતુ અહીં પોલીસની હાજરી 50 ટકાથી પણ ઓછી છે. પોલીસનું કહેવું છે કે હિંસા દરમિયાન 450 પોલીસ મથક ફૂંકી મરાયાં છે અને લગભગ 50 પોલીસ કર્મચારીની ભીડે હત્યા કરી નાખી છે. તેમને સુરક્ષા જોઈએ, એટલે તેઓ પોલીસમથકમાં નહીં આવે.
ભય… ઢાકાના લક્ષ્મીબાડી વિસ્તારમાં લાઇટો બંધ, રાશન પણ ખલાસ થયું, હિન્દુ ઘરોમાં સંતાયા
ઢાકાના હિન્દુ બહુમત વિસ્તાર લક્ષ્મીબાડી બજારમાં મંગળવારથી લાઇટો બંધ છે. અહીં કટ્ટરપંથી યુવાનોએ સેંકડો હિન્દુ પરિવારોના ઘર પર હુમલા કરીને તોડફોડ કરી હતી. ત્યારથી લોકો ઘરમાં સંતાયા છે. અહીં રહેતા સુદીપ્તોએ ફોન પર કહ્યું કે અમારું કરિયાણું પણ ખાલી થવા આવ્યું છે પરંતુ બજાર જવાની હિંમત નથી થતી. રસ્તા પર ભીડ સૂત્રો પોકારતી નીકળે છે. પોલીસનો ઇમરજન્સી નંબર કામ કરતો નથી.