ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજસેટનું પરિણામ જાહેર કરાયુ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ તેમનુ પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર જોઈ શકશે. બોર્ડ દ્વારા પહેલીવાર વોટ્સએપ નંબર ઉપર પણ પરિણામ આપવામાં આવ્યું છે.
આજે ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયુ છે. ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે પરિણામ ઓછુ આવ્યુ છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 66% આવ્યુ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું 66.32 ટકા અને નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ 64.32 ટકા આવ્યુ છે.
આ વર્ષે 83.22 % સાથે મોરબી પ્રથમ સ્થાને આવ્યુ છે. જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ 22 % સાથે છેલ્લા ક્રમે આવ્યુ છે. 90. 41 ટકા સાથે સૌથી વધારે પરિણામ ધરાવતુ કેન્દ્ર હળવદ બન્યુ છે. આ સાથે જ રાજકોટમાં 82 % જેટલુ પરિણામ આવ્યુ છે.
આ વર્ષે કુલ 27 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યુ છે. જ્યારે 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી કુલ 76 શાળાઓ છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 67.18 ટકા જાહેર થયું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 65.32 ટકા જાહેર થયુ છે. જ્યારે A ગ્રૂપના ઉમેદવારોનું 72.27 ટકા પરિણામ આવ્યુ છે. B ગ્રૂપના ઉમેદવારોનું 61.71 ટકા પરિણામ આવ્યુ છે. આ ઉપરાંત AB ગ્રૂપના ઉમેદવારોનું 58.62 ટકા પરિણામ જાહેર થયુ છે. આ વર્ષે ગેરરીતિના કુલ 35 કેસ સામે આવ્યા હતા.
ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. જેમાં રાજ્ય ભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ 10 બોર્ડમાં 9,56,753, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમના 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત માધ્યમના 736 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. GSEB ધોરણ 10 ની પરીક્ષા 2023 માર્ચ 14 અને 28, 2023 ની વચ્ચે પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે GSEB ધોરણ 12 ની પરીક્ષા 2023 વિજ્ઞાન પ્રવાહ માટે 14 થી 25 માર્ચ, 2023 અને સામાન્ય પ્રવાહ માટે માર્ચ 14 થી 29, 2023 ની વચ્ચે આયોજિત કરવામાં આવી હતી.
રાજ્યમાં 3 એપ્રિલના રોજ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી હતી. રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના અંદાજે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓએ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં પરીક્ષા આપી હતી.