શિર્ડી સાઇબાબાના મંદિરમાં ગુરુપૂર્ણિમાં ઉત્સવ નિમિત્તે લાખો ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા અને મંદિરની દાનપેટીઓ રીતસર છલકાવી દીધી હતી.ત્રણ દિવસ ચાલેલા ઉત્સવ દરમિયાન ભક્તજનોએ બાબાને ચરણે ૭.૩ કરોડ દાનપેટે અર્પણ કર્યા હતા. આમ ગયા વર્ષ કરતાં દાનમાં લગભગ ત્રણ કરોડનો વધારો થયો હતો.
શિર્ડી સાઇબાબા મંદિરના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર પી. શિવાશંકરે જણાવ્યું હતું કે બીજીથી ચોથી જુલાઇ સુધી ચાલેલા ગુરુપૂર્ણિમાં ઉત્સવ દરમિયાન લગભગ ત્રણ લાખ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ભક્તો તરફથી સાઇબાબાને રોકડ તેમજ સોના-ચાંદીની ભેટ વસ્તુ અને સિક્કા રૃપે એકંદર ૭.૩ કરોડથી વધુ રકમનું દાન આપવામાં આવ્યું હતું. આમા ૪૭૨ ગ્રામ સોનું અને સાડાચાર હજાર કિલો ચાંદીનો સમાવેશ થતો હતો.
ઉત્સવ દરમિયાન દોઢ લાખથી વધુ ભક્તોએ પ્રસાદ ભોજનનો લાભ લીધો હતો અને લગભગ બે લાખ ભક્તોને બુંદીના લાડુના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન આંધ્ર પ્રદેશનાં એક ભક્ત તરફથી શિર્ડી સાઇબાબાને ૨૦ લાખની કિંમતનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો.