મોદીએ ૩૦મી મે ૨૦૧૪ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન પદે શપથ લીધા હતા, જેને મંગળવારે ૯ વર્ષ થઇ જશે. મોદી સરકારના આ નવ વર્ષ દરમિયાન કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા જેની દેશભરમાં ચર્ચા થઇ હતી. આ નિર્ણયોમાં જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ અને ૩૫એ હટાવવો, અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવો, આ ઉપરાંત રામ મંદિર, કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ કરાવવું વગેરેનો સમાવેશ થાય છે.
૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ મોદી સરકારે નોટબંધી લાગુ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ નોટબંધીની રાત્રે આઠ વાગ્યે જાહેરાત કરી હતી. સરકારનો દાવો છે કે નોટબંધીથી કાળુ નાળુ અને આતંકીઓના ફન્ડિંગ પર અસર થઇ હતી. જોકે નોટબંધીને કારણે હજારો લોકોએ પરેશાનીનો પણ સામનો કરવો પડયો હતો. નોટબંધી બાદ દેશમાં ડિજિટલ લેન-દેન વધ્યું હતું. ૨૦૧૬માં જ ઉરીમાં આતંકીઓ દ્વારા સૈન્ય કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સૈન્યના ૧૯ જવાન શહીદ થયા હતા. આ હુમલાનો જવાબ ભારતે ૧૦ દિવસની અંદર આપ્યો હતો અને ભારતીય એરફોર્સની ટીમ એલઓસી પાર કરીને પાકિસ્તાનમાં ઘૂસી હતી અને સર્જિકલ સ્ટ્રાઇક કરીને પરત આવી ગઇ હતી.
મોદી સરકારની પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના પણ ચર્ચાનો વિષય રહી, સરકારના દાવા મુજબ છેલ્લા નવ વર્ષમાં ગરીબ પરિવારોને ૧૭ કરોડ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા. જોકે ઘરેલુ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો પણ આ દરમિયાન જોવા મળ્યો હતો. સરકારે મહિલાઓને સશક્ત બનાવવાના હેતુથી આ યોજના લોન્ચ કરી હતી. સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે રોડ પર પણ કામ કર્યું છે. અનેક નવા રોડ બનાવવામાં આવ્યા જેના પરીણામે ભારત વિશ્વનો સૌથી મોટો રોડ નેટવર્ક ધરાવનારો દેશ બન્યો અને આ નેટવર્ક ૬૩.૭૩ લાખ કિમી હોવાનો દાવો સરકારે કર્યો હતો.
દરેક ઘરે સ્વચ્છ પાણી પહોંચાડવા માટે જલ જીવન મિશન ચલાવવામાં આવ્યું. જેને પરીણામે ટૈપ વોટર કનેક્શનમાં ઉછાળો આવ્યો. સરકારના દાવા મુજબ નવ વર્ષમાં ૩.૨૭ કરોડ ગ્રામીણ પરિવારોને પાણીનું કનેક્શન આપવામાં આવ્યું. આ મિશનની શરૂઆત ૧૫મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કરવામાં આવી હતી. બીજા વર્ષે એટલે કે ૨૦૨૦માં કોરોના મહામારીમાંથી દેશ પસાર થયો, સરકારે દાવો કર્યો હતો કે કોરોનાની પ્રથમ લહેર સમયે અમે નાગરિકોને બચાવવાનો પ્રયાસ કર્યો જ્યારે બીજા લહેર સમયે અર્થવ્યવસ્થાને બચાવવામાં આવી. દેશભરમાં લોકડાઉન પણ લાગુ કરાયું, જોકે આ દરમિયાન મજૂરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો અને કેટલાકના અકસ્માતમાં મોતની ઘટનાઓ પણ સામે આવી. કોરોનાને નાથવા માટે રસિકરણ અભિયાન ચલાવવામાં સરકાર સફળ રહી અને કરોડો લોકોને રસીના ડોઝ અપાયા.