પાડોસી દેશ પાકિસ્તાન ફરી એક વખત ચર્ચામાં છે. પરંતુ આ વખતે આ દેશ પોતાના ભિખારીઓના કારણે ચર્ચામાં છે. મળતી માહિતી મુજબ વિદેશોમાં જેટલા પણ ભિખારીઓની ધરપકડ કરવામાં આવી રહી છે તેમાંથી 90 ટકા ભિખારી પાકિસ્તાનના છે. ઈરાન અને સાઉદી આરબની જેલમાં મોટી સંખ્યામાં પાકિસ્તાનના ભિખારીઓ બંધ છે.
પાકિસ્તાન સરકારન સેનેટની સ્થાયી સમિતિએ જણાવ્યું કે વિદેશમાં પાકિસ્તાનના નાગરિક મોટી સંખ્યામાં ભીખ માગવાનું કામ કરી રહ્યાં છે, જેના કારણે તેમણે જેલ પણ જવું પડે છે. પ્રવાસી પાકિસ્તાની મંત્રાલયના સચિવ જીશાન ખાનઝાદાએ સ્ટેન્ડિંગ કમિટીને જણાવ્યું કે પાકિસ્તાનના લગભગ 10 લાખ નાગરિક વિદેશોમાં છે જેમાંથી મોટી સંખ્યામાં લોકો ભીખ માગી રહ્યાં છે. પાકિસ્તાનના આ લોકો વીઝા લઈને અન્ય દેશમાં ભીખ માગવાનું કામ કરે છે. તેમણે જણાવ્યું કે અનેક મામલામાં પાકિસ્તાનથી રવાના થતા પહેલા જહાજ ભિખારીઓથી ભરેલું હોય છે. આરબ દેશોમાં ડિટેન થનારા 90 ટકા ભિખારી પાકિસ્તાની છે. વિદેશોમાં પાકિસ્તાન નાગરિકોની એક મોટી સંખ્યા ભીખ માગવાના કામમાં જોતરાયેલી છે.
ઈરાન અને સાઉદીની જેલમાં બંધ છે પાકિસ્તાની ભિખારી
ખાનઝાદાએ કહ્યું કે ભીખ માગવાનું કામ કરતા પાકિસ્તાનીઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે, અને તેમણે કાયદાકીય અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. વિદેશોમાં ધરપકડ થયેલા 90 ટકા ભિખારી પાકિસ્તાની મૂળના છે. ઈરાક અને સાઉદી આરબના રાજદૂતે કહ્યું છે કે તેમની જેલ પાકિસ્તાનના ભિખારીઓથી ભરાયેલી છે.
તેમણે વધુમાં કહ્યું કે- સાઉદી આરબમાં પકડાયેલા અનેક ખીસ્સા કાતરુઓ પણ પાકિસ્તાની છે અને તેઓ મોટા ભાગે ઉમરા વીઝા પર સાઉદી આરબ ભીખ માગવા માટે જતા હોય છે. ઈરાન અને સાઉદી આરબ વિરોધ વ્યક્ત કરી ચુક્યા છે કે પાકિસ્તાનના ભિખારીઓએ તેમની જેલમાં ભીડ કરી દીધી છે.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કંગાળ હાલતમાં
છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કંગાળ છે. IMF સહિત અનેક દેશોથી લોન લીધી હોવા છતા તેમની સ્થિતિમાં ખાસ કોઈ સુધારો થયો નથી. આ વચ્ચે વર્લ્ડ બેંકના એક રિપોર્ટે દેશની મુસીબત વધારી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ગરીબીનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. પાકિસ્તાનમાં હવે ગરીબી વધીને 39.4 ટકા થઈ ગઈ છે.
વર્લ્ડ બેંકના રિપોર્ટમાં કહેવાયું છે કે છેલ્લા નાણકીય વર્ષમાં પાકિસ્તાનમાં ગરીબી વધીને 39.4 ટકા થઈ છે. આર્થિક સ્થિતિને કારણે 1.25 કરોડથી વધુ લોકો ગરીબીની ઝપેટમાં આવી ગયા છે અને નાણાકીય સ્થિરતા મેળવવા માટે દેશે તાત્કાલિક કોઈ પગલા ભરવાની જરુર છે. પાકિસ્તાનમાં ગરીબી એક વર્ષમાં 34.2 ટકાથી વધીને 39.4 ટકા થઈ ગઈ છે. આ સાથે જ 1.25 કરોડથી વધુ લોકો ગરીબી રેખાની નીચે આવી ગયા છે.