સુરતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી સવારમાં હળવા વરસાદી ઝાપટા પડવાનું યથાવત રહ્યું છે. બપોર બાદ આકરા તડકાના કારણે ભારે બફારો અને ઉકળાટ જોવા મળે છે. ત્યારે આજે સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે.
સુરતના પીપલોદ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ સિવાય ઉધના, સરથાણા, વરાછા, કામરેજ, કતારગામ, સચિન,ડિંડોલી સહિતના વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટા પડ્યાં હતાં. વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ 25 તારીખ પછી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ડુમસ નજીક આવેલા વાય જંકશન ખાતે સવારમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાતાવરણને જોતા લોકોને ભય હતો કે યોગ દિવસની ઉજવણીમાં વરસાદ વિલન બની શકે છે. જો કે, યોગ દિવસનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વરસાદ પડ્યો હતો. વરસાદી ઝાપટા પડવાનું શરૂ થાય તે પહેલા જ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો હતો.