એર ઇન્ડિયાએ ગઈકાલે એરબસ અને બોઇંગ સાથે અંદાજે 5.47 લાખ કરોડ રુપિયામાં 470 એરક્રાફ્ટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ટાટા ગ્રૂપની માલિકીની એરલાઈને આ વર્ષે ફેબ્રુઆરીમાં જણાવ્યુ હતું કે બે એરક્રાફ્ટ ઉત્પાદકો પાસેથી વાઈડબોડી એરક્રાફ્ટ સહિત કુલ 470 એરક્રાફ્ટની ખરીદી કરશે.
આ ઓર્ડરમાં 34 A350-1,000, 6 A350-900, 20 બોઇંગ 787 ડ્રીમલાઇનર અને 10 બોઇંગ 777X વાઇડબોડી એરક્રાફ્ટ, 140 એરબસ A320neo, 70 એરબસ A321neo અને 190 બોઇંગ અને 737 નાના એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. પેરિસ એર શોની બાજુમાં ખરીદી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં 70 અબજ ડોલરના રોકાણની વાત કહી હતી.
એર ઈન્ડિયા આ વર્ષના અંતમાં એરબસ A350 સાથે નવા એરક્રાફ્ટની ડિલિવરી શરૂ કરશે. કંપનીએ કહ્યું કે મોટાભાગના એરક્રાફ્ટ 2025ના મધ્યથી મળવાનું શરૂ કરશે. ટાટા સન્સ અને એર ઈન્ડિયાના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે આ ઐતિહાસિક પગલું એર ઈન્ડિયાને લાંબા ગાળાની વૃદ્ધિ અને સફળતા માટે વધુ સ્થાન આપે છે. અમે વિશ્વમાં આધુનિક ઉડ્ડયનનું પ્રતિનિધિત્વ કરવા માટે સાથે આવવા આતુર છીએ.
ઓછી કિંમતની એરલાઇન ઇન્ડિગોએ સોમવારે એરબસને 500 એરક્રાફ્ટનો ઓર્ડર આપવાની જાહેરાત કરી હતી. ઈન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું કે કોઈપણ એરલાઈન્સ દ્વારા એરબસને આપવામાં આવેલ આ સૌથી મોટો એરક્રાફ્ટ ઓર્ડર છે. જોકે ઈન્ડિગોએ સોદાના નાણાકીય વિગતો જાહેર કરી નથી. આ એરક્રાફ્ટ ખરીદી કરાર પર ‘પેરિસ એર શો 2023’ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેને ભારતીય ઉડ્ડયન ક્ષેત્રે એક મોટી ઉપલબ્ધિ ગણાવી હતી.