વિદેશી ચલણમાં કરેલા ખર્ચનો પ્રકાર જણાવતી વિગતો ક્રેડિટ કાર્ડ જારી કરનારી નાણાંકીય સંસ્થાને જણાવવાનું ક્રેડિટ કાર્ડધારકો માટે ફરજિયાત બનાવવાનું આવક વેરા વિભાગ વિચારી રહ્યું છેે. ટેકસ કલેકશન એટ સોર્સ (ટીસીએસ)ની વસૂલી માટે આ માહિતી માગવામાં આવશે.
ક્રેડિટ કાર્ડ મારફત વિદેશમાં કરેલા ખર્ચ શિક્ષણ કે તબીબી ખર્ચ છે કે કેમ તે વિશે જાણવા ખાસ યંત્રણા તૈયાર કરવા આવક વેરા વિભાગ રિઝર્વ બેન્ક તથા અન્ય હિસ્સેદારો સાથે ચર્ચા કરી રહ્યું છે.
તબીબી-શિક્ષણ પેટે કરાતા ખર્ચ પર ટીસીએસ પાંચ ટકા લાગુ કરાયો છે જ્યારે અન્ય હેતુ માટે ક્રેડિટ કાર્ડ મારફત કરાતા ખર્ચ પર ૨૦ ટકા ટીસીએસ વસૂલવા નિશ્ચિત કરાયું છે.
ટીસીએસના નવા દર ૧લી જુલાઈથી લાગુ થઈ રહ્યા છે. માહિતી પૂરી પાડવા કરદાતાને પૂરતો સમય આપવાના ભાગરૂપ આ હિલચાલ થઈ રહી હોવાનું આવક વેરા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
વેરા વિભાગ કરદાતા માટે ખાસ પ્રશ્નોત્તરી પણ તૈયાર કરી રહ્યો છે. ક્રેડિટ કાર્ડસ મારફત વિદેશમાં રૂપિયા સાત લાખથી વધુના કરાનારા ખર્ચ પર આગામી મહિનાથી વીસ ટકા ટીસીએસ લાગુ કરવા નિર્ણય કરાયો છે.