હેલિકોપ્ટર સર્વિસ આપનારી સરકારી કંપની પવનહંસની વેચાણ પ્રક્રિયા પુરી થઈ શકી નથી. ફરી એકવાર પવનહંસને વેચવાનો પ્લાન અટકી ગયો છે. આ કંપની ખુબ જ નુકસાનનો સામનો કરી રહી છે. આ કારણે જ સરકારે કંપનીમાંથી 50 ટકાથી વધુ હિસ્સો વેંચવાનો નિર્ણય કર્યો છે. જોકે હવે એવા સંકેતો મળી રહ્યા છે કે, આ કંપની વેચવાનો નિર્ણય કેન્દ્ર સરકાર પરત ખેંચી શકે છે.
કંપનીમાં સરકારનો 51 ટકા હિસ્સો
પવનહંસ કંપનીમાં સરકારનો 51 ટકા જ્યારે ONGCનો 49 ટકા હિસ્સો છે. લાંબાસમયથી નુકસાનમાં ચાલી રહેલી આ કંપનીને 2016માં વેચવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જોકે તેમાં ચોથી વખત નિષ્ફળતા મળી છે. ઉલ્લેખનિય છે કે, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ઓક્ટોબર 2016માં પવન હંસના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી હતી.
કંપની બંધ કરવાનો પણ થઈ શકે છે નિર્ણય
બિઝનેસ ટુડેના રિપોર્ટ મુજબ પવનહંસના વેચાણ માટે બનાવાયેલ આંતર-મંત્રાલય સમૂહ આ વેચાણ ઓફરને પરત ખેંચી શકે છે. એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને રિપોર્ટમાં કહેવાયું છે કે, આગામી સમયમાં આ કંપનીને વેચવાની સંભાવના પણ નહિવત જોવા મળી રહી છે. આ સાથે જ નવી જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઈઝ નીતિ અનુસાર કેન્દ્ર કંપનીને બંધ કરવાનો પણ વિચાર કરી શકે છે. આ સપ્તાહેથી સેલ ઓફરને બંધ કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.
પવનહંસમાંથી સરકારનો હિસ્સો ખરીદવા બોલી લગાવનાર કંપનીને નોટિસ
રિપોર્ટમાં જણાવાયું છે કે, આ વખતે પવનહંસને ખરીદવા માટે યોગ્ય અને સ્પર્ધાત્મક બોલી લાગી હતી, પરંતુ ખરીદનાર પર લાગેલા આરોપોના કારણે સરકારે પોતાનો નિર્ણય બદલવો પડ્યો. વાસ્તવમાં અલ્માસ ગ્લોબલ ઓપર્ચ્યુનિટી ફંડની આગેવાની હેઠળની સ્ટાર-9 મોબિલિટીએ આ કંપનીમાં સરકારનો 51 ટકા હિસ્સો ખરીદવા માટે 211 કરોડ રૂપિયાથી વધુની બોલી લગાવી હતી, પરંતુ તાજેતરમાં જ નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (NCLT)ની કોલકાતા ખંડપીઠે પાવર કંપની EMC લિમિટેડના અધિગ્રહણ પર અલ્માસ ગ્લોબલ સામે આદેશ પસાર કર્યો હતો, જેના કારણે વેચાણ પ્રક્રિયાની પારદર્શિતાને અસર થઈ અને વેચાણ પ્રક્રિયા રોકવી પડી તેમજ સ્ટાર9 મોબિલિટને કારણ બતાવો નોટિસ પણ જારી કરવામાં આવી…
પવનહંસને વેચવા સરકારને મળી હતી 3 બોલી
પવનહંસમાંથી પોતાનો 51 ટકા હિસ્સો વેચવા માટે સરકારે 199.92 કરોડ રૂપિયાની બેસ પ્રાઈઝ નક્કી કરી હતી. આ માટે 3 કંપનીઓએ બીડ મુકી હતી. સ્ટાર 9 મોબિલિટી ગ્રૂપે 211.14 કરોડ રૂપિયાની બીડ લગાવી હતી, જ્યારે અન્ય 2 કંપનીઓએ 181.05 કરોડ રૂપિયા અને 153.15 કરોડ રૂપિયાની બીડ લગાવી હતી. આવી સ્થિતિમાં સૌથી વધુ બીડ લગાવનાર સ્ટાર9 વેચાણ પ્રક્રિયા જીતી હતી, પરંતુ ચોથી વખત પણ આ વેચાણ પ્રક્રિયા પુરી થઈ શકી નથી.