જેની લાંબા સમયથી ઈંતેજારી સેવાતી હતી તે વન ડેના વર્લ્ડકપનો કાર્યક્રમ આઈસીસી અને બીસીસીઆઈએ આજે જાહેર કરી દીધો છે. આગામી પાંચ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ આ વર્લ્ડકપમાં ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને બે ક્વોલિફાયર ટીમ એમ દસ ટીમ ભાગ લેશે. એટલે કે શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈંડિઝ જેવી છ ટીમ હજુ ક્વોલિફાયર્સ રમે છે તેમાંથી સ્થાન નક્કી થશે.
આ વર્લ્ડકપનો સૌથી મેગા મુકાબલો સ્વાભાવિક રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રહેશે જે ૧૫મી ઓક્ટોબરે અમદાવાદમાં યોજાશે. જોગાનુજોગ તે દિવસે જ પ્રથમ નવરાત્રિ હોઈ તહેવારનો માહોલ બેવડાશે. ડે-નાઇટ મેચનો પ્રારંભ બપોરે ૨.૦૦થી થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજો સંભવીત મુકાબલો થાય તો પણ તે અમદાવાદમાં જ રહેશે કેમ કે ફાઈનલ ૧૯ નવેમ્બરે અમદાવાદમાં જ રમાનાર છે.
ભારતની મેચ પર નજર નાંખીએ તો તેની વર્લ્ડકપની મેચ ૮, ૧૧, ૧૫, ૧૯, ૨૨, ૨૯ ઓક્ટોબર, ૨ નવેમ્બર પાંચ અને ૧૧ નવેમ્બરે અનુક્રમે ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, ક્વોલિફાયર ટુ, સાઉથ આફ્રિકા અને ક્વોલિફાયર વન સામે રમશે. ભારતની નવ મેચ ચેન્નાઈ, દિલ્હી, અમદાવાદ, પુણે, ધરમશાળા, લખનઉ, મુંબઈ, કોલકાતા અને બેંગ્લોરમાં રમાશે. રાજકોટને એકપણ મેચ ફાળવવામાં નથી આવી.
ભારત ૧૯૮૩માં ઈંગ્લેન્ડમાં વેસ્ટ ઈંડિઝની ટીમને હરાવી ચેમ્પિયન બન્યું હતું, તે પછી ઘરઆંગણે ૨૦૧૧માં શ્રીલંકાને પરાજય આપીને ટાઈટલ જીત્યું હતું. હવે ભારત ફરી ઘરઆંગણે રમતું હોઈ ચેમ્પિયન બનવા માટે ફેવરિટ મનાય છે.આ વર્લ્ડકપના કાર્યક્રમમાં પ્રત્યેક શનિવારે બે મેચ રમાનાર છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અત્યારથી જ ઉત્સુકતા જગાવી રહી છે પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું છે કે અમે વર્લ્ડકપ રમવા પાકિસ્તાન સરકાર પરવાનગી આપશે તો જ ભારત જઈશું.