છેલ્લા કેટલાક વર્ષોથી કૈલાસ માનસરોવર યાત્રા રદ કરાઈ હોવાથી ઉત્તરાખંડ પ્રવાસન વિભાગ ભગવાન શિવના ધામ કૈલાસ પર્વતના દર્શન માટે જૂના લિપુલેખ શિખરથી વૈકલ્પિક માર્ગ શોધવા અંગે વિચારણા હાથ ધરી છે તેમ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું.
તિબેટના પ્રવેશદ્વાર લિપુલેખ ઘાટની પશ્ચિમે શિખર આવેલું છે. છેલ્લે વર્ષ ૨૦૧૯માં લિપુલેખ ઘાટથી કૈલાસ માનસરોવર યાત્રા યોજાઈ હતી. વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીના કારણે આ યાત્રા રદ કરાઈ હતી. ત્યાર પછી તે શરૂ થઈ શકી નથી. ધારચુલા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દેવેશ શાશનિએ જણાવ્યું હતું કે, પ્રવાસન વિભાગના અધિકારીઓ, જિલ્લા ઓથોરિટી, એડવેન્ચર ટુરિઝમના નિષ્ણાતો અને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના અધિકારીઓએ તાજેતરમાં જૂના લિપુલેખ શિખરની મુલાકાત લીધી હતી. ત્યાંથી કૈલાસ પર્વતના દર્શન થઈ શકે છે.
આ ટીમે આ સ્થળનો ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે કેવી રીતે વિકાસ કરી શકાય તે માટે ત્યાંની મુલાકાત લીધી હતી. જિલ્લા પ્રવાસન અધિકારી ક્રિતિ ચાંદે જણાવ્યું હતું કે, જૂના લિપુલેખ શિખર પરથી ‘કૈલાસ ધામ’ના દર્શન કૈલાસ-માનસરોવર યાત્રાનો વૈકલ્પિક માર્ગ બની શકે છે. અમારી ટીમને વ્યાસ ખીણમાં ધાર્મિક પ્રવાસનની સંભાવનાઓ અંગે એક રીપોર્ટ રજૂ કરવા જણાવાયું હતું. આ માટે અમે જૂના લિપુલેખ શિખર, નાભિધાંગ અને આદિ કૈલાસ પ્રદેશની મુલાકાત લીધી હતી. સ્નો સ્કૂટર સમુદ્રના સ્તરથી ૧૯,૦૦૦ ફૂટની ઊંચાઈ અને લિપુલેખ ઘાટથી ૧,૮૦૦ મીટરની ઊંચાઈ પર સ્થિત શિખર સુધી લઈ જઈ શકે છે. બીઆરઓએ શિખરના બેઝ સુધી એક રોડ બનાવ્યો છે. વ્યાસ ખીણના નિવાસીઓએ કહ્યું હતું કે, વૃદ્ધાવસ્થા અને સ્વાસ્થ્યના કારણોથી માનસરોવર ઓળંગી નહીં શકનારા લોકો જૂના લિપુલેખ શિખરથી કૈલાસ પર્વસના દર્શન કરી શકે છે.