દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપૂરમાં છેલ્લા બે મહિનાથી હિંસા ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે હિંસા પાછળ વિદેશી હાથ હોવાની આશંકા વ્યક્ત કરતી હતી. તેમણે જણાવ્યું કે, મૈઈતેઈ સમાજ અને કુકી આદિવાસીઓ વચ્ચેની હિંસા પાછળ બહારના તત્વોનો હાથ હોઈ શકે તથા તે ‘પૂર્વ નિયોજિત’ લાગે છે. બે મહિનાથી ચાલતી હિંસામાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા છે.
મુખ્યમંત્રી એન. બિરેન સિંહે કહ્યું કે, મણિપુરની સરહદો મ્યાંમાર અને ચીન સાથે જોડાયેલી છે. અમારી ૩૯૮ કિ.મી.ની સરહદો અસુરક્ષિત છે. અમારી સરહદો પર મજબૂત સુરક્ષા દળ તૈનાક છે, પરંતુ મજબૂત અને વ્યાપક સુરક્ષા તૈનાતી પણ આટલી મોટી સરહદને કવર કરી શકે નહીં. જોકે, જે કંઈ થઈ રહ્યું છે તે જોતાં અમે ના ઈનકાર કરી શકીએ છીએ અને ના દૃઢતાથી પુષ્ટી કરી શકીએ છીએ. આ હિંસા પૂર્વનિયોજિત લાગે છે, પરંતુ તેનું કારણ સ્પષ્ટ નથી.
મુખ્યમંત્રી બિરેન સિંહે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર મણિપુરમાં શાંતિ જાળવવા માટે બધા જ પ્રયત્નો કરી રહી છે. તેમણે કુકી ભાઈઓ અને બહેનો સાથે ટેલિફોન પર વાત કરી અને કહ્યું, આવો માફ કરો અને ભૂલી જાવ. આપણે સાથે મળીને રાજ્યને આગળ વધારીએ. આ સાથે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના મણિપુર પ્રવાસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેમનો પ્રવાસ ‘રાજકીય એજન્ડા’ લાગે છે.
દરમિયાન મણિપુરના બિશ્નુપુર જિલ્લામાં અજાણ્યા બંદૂકધારીઓ સાથેની અથડામણમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા અને પાંચને ઈજા પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે, ખોઈજુમંતાબિ ગામમાં કામચલાઉ બન્કરમાં કેટલાક વોલન્ટીયર હથિયારો સાથે તેમના ગામનું રક્ષણ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા બંદૂકધારીઓ સાથે આમને-સામને ગોળીબાર થયો હતો ત્યારે આ ઘટના બની હતી.
બીજીબાજુ મણિપુરના બે આતંકી જૂથોએ રવિવારે પૂર્વોત્તરના રાજ્યોને જોડતા નેશનલ હાઈવે-૨ પર કાંગપોકપી જિલ્લામાં બે મહિનાથી બંધ રસ્તા પરના અવરોધો હટાવી લીધા છે અને નેશનલ હાઈવેને ખુલ્લો કરી દીધો છે. જોકે, બે મહિના પહેલાં ચળવળ શરૂ કરનારા કુકી આદિવાસીઓએ સત્તાવાર રીતે નેશનલ હાઈવે-૨ ખુલ્લો કરવાની જાહેરાત નથી કરી.
દરમિયાન ભાજપના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે, મણિપુર બે મહિનાથી સળગી રહ્યું છે, પરંતુ હજુ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નથી. હકીકતમાં મણિપુરમાં મૈતેઈ હિન્દુ વિરોધી લોકોને એવા હથિયારોથી નિશાન બનાવાઈ રહ્યા છે, જે મ્યાંમારના હિંસા કરનારા લોકોને પૂરા પાડવામાં આવ્યા છે. તેમને આ બધા હથિયાર ચીન તરફથી મળ્યા છે. આ હિંસામાં ચીનનો હાથ હોવાના કારણે જ કદાચ પીએમ મોદી કશું બોલી શકતા નથી. લદ્દાખમાં ચીને આપણે જમીન આંચકી લીધી પરંતુ મોદી એક શબ્દ બોલી શક્યા નહીં. હવે મણિપુર સળગી રહ્યું છે તો પણ તેઓ કશું બોલી રહ્યા નથી. તેનું કારણ ચીન હોઈ શકે છે.
ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા સંજય રાઉતે રવિવારે જણાવ્યું હતું કે, મણિપુર હિંસામાં ચીનનો હાથ હોય તો કેન્દ્ર સરકારે ચીન વિરુદ્ધ શું કાર્યવાહી કરી? મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવું જોઈએ.