ચેરિટી કમિશનરની મંજૂરી વગર લીઝ ડીડ કરી જમીન વેચી દેવાતા વિવાદ
જગન્નાથ મંદિરની જમીન દાણીલીમડાના બહેરામપુરા વિસ્તાર તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયોના ઘાસચારાના નિભાવ અર્થે 100 વર્ષ માટે રેન્ટ એગ્રીમેન્ટથી મહંત શ્રી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને આપવામાં આવી હતી. આ જમીનો ચેરિટી કમિશનરની મંજૂરી વગર મુસ્લિમ બિરાદરોને લીઝ ડીડ કરીને વેચી દેવા અંગેનો વિવાદ થયો છે. આ જમીન મંદિર ટ્રસ્ટને પરત મળે તે માટે VHPના ધર્મ પ્રસાર વિભાગના અખિલ ભારતીયના સહમંત્રી અને પૂર્ણકાલિન કાર્યકર ધર્મેન્દ્ર ભાવાણી (પટેલ)દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. આ અંગે સક્ષમ સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે VHPના કાર્યકર ધર્મેન્દ્ર પટેલ (ભાવાણી)ને ધમકીઓ પણ મળી હતી. આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆતના અંતે એક હથિયારધારી જવાનનો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલના અંગત સચિવ સામે કોર્ટમાં ફરિયાદ
જો કે આ આ જમીન અંગે સરકાર કે મંદિર તરફથી કોઇ જ સાનુકુળ પ્રયાસો નહીં દેખાતાં વિશ્વ હિન્દુ પરિષદ વતી ધર્મેન્દ્ર પટેલ (ભાવાણી)એ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. માત્ર એટલું જ નહીં આ લીઝ ડીડના કારણે સરકારને 11 કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યુટીની ચોરી થઇ હોવાની ફરિયાદ કરવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપસર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના રાજ્યપાલના અંગત સચિવ, લોકાયુક્ત આર.એચ.શુક્લા(નિવૃત્ત જસ્ટિસ) સહિત અનેક લોકો સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફોજદારી ફરિયાદ કરી છે.આમ વિશ્વ હિન્દુ પરિષદે કાનૂની જંગ છેડ્યો છે. આમ પહેલીવાર વિશ્વ હિન્દુ પરિષદે ભાજપ સરકારના મુખ્યમંત્રી સામે ફરિયાદ કરી છે.
ગ્રામ્ય કોર્ટમાં જમીન સોદામાં 11 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ચોરીની ફરિયાદ કરતી અરજી
VHP દ્વારા લોકાયુક્તને આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. જે ના સાંભળતા અમદાવાદ ડિસ્ટ્રીકટ કોર્ટમાં VHP દ્વારા લોકયુક્તને પાર્ટી બનાવીને જગન્નાથ મંદિર અંતર્ગત જમીન સોદામાં 11 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ચોરીની ફરિયાદ કરતી અરજી કરાઈ છે. જેમાં મંદિરના બે ટ્રસ્ટ દ્વારા કરાયેલી જમીન ડીલનું નિરીક્ષણ કરનાર અધિકારી સામે કાર્યવાહીની માંગ કરાઈ છે. જમીન સોદામાં અધિકારીએ નિયમ મુજબ સ્ટેમ્પ ડ્યૂટી ન વસુલી હોવાની ફરિયાદ થઈ છે. અગાઉ સ્ટેમ્પ એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટને પણ ફરિયાદ કરાઈ હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. તેમજ આ અરજીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
જગન્નાથ મંદિરની જમીન મુસ્લિમોને વેચી દેવાની સામે અમારી લડતઃ VHP
આ અંગે VHP ગુજરાત પ્રદેશના મંત્રી અશોક રાવલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જગન્નાથ મંદિરની જમીન મુસ્લિમોને વેચી દેવાની સામે કેટલાંક વખતથી અમારી લડત ચાલુ છે. પરિણામ ન આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. આ અંગે અમે હાઇકોર્ટમાં PIL કરી છે.
VHPએ લવ જેહાદ અટકાવવા હોટલ રૂમો ચેક કરવાનું શરૂ કર્યું
લવ જેહાદ અટકાવવા વિશ્વ હિન્દુ પરિષદે દરેક હોટલના રૂમ ચેક કરવાનું અભિયાન હાથ ધર્યું છે. જો તેમાં લવ જેહાદનો કોઇ કિસ્સો મળશે તો VHPના કાર્યકરો હોટલ સામે પગલાં લેશે તેવી જાહેરાત કરી છે. બીજી તરફ જગન્નાથ મંદિરની જમીન પરત મેળવવા માટેની લડત શરૂ કરી છે. આમ વિશ્વ હિન્દુ પરિષદ લેન્ડ જેહાદ બાદ લવ જેહાદ મુદ્દે સક્રિય થયું છે.
7/12માં લઘુમતી સમુદાયના સભ્યોના નામ પણ ચઢી ગયા
અમદાવાદમાં જગન્નાથ મંદિરની અનેક પ્રોપર્ટી આવેલી છે. જેમાં શહેરના દાણીલીમડાના બહેરામપુરા વિસ્તારમાં આવેલ સર્વે નંબર 138ના પ્લોટ નંબર 136ની 53 વિઘા અને 10.33 ગુંઠા જેટલી જમીન શાહ આલમના યાસીન ઘાંચીને વર્ષ 2018માં 7.75 કરોડમાં લીઝ પર આપવામાં આવી હતી. આ જમીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહંત શ્રી નારસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને ગાયોના ઘાસચારાના નિભાવ અર્થે 100વર્ષ માટે રેન્ટ એગ્રીમેન્ટથી આપવામાં આવી હતી. શિષ્ય પરંપરાથી અત્યારે મહંત દિલીપદાસજી તેના એકમાત્ર ટ્રસ્ટી છે. આ જમીનની 7/12ના ઉતારામાં લઘુમતી સમુદાયના સભ્યોના નામ પણ ચઢી ચુક્યા છે.
હેતુફેરની અરજી ચેરીટી કમિશનરે ફગાવી દીધી
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગાયના ઘાસચારા માટે બહેરામપુરા વિસ્તારમાં સર્વે નં. 138ની 1,27,084 સ્કવેર મીટર જમીન નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને લાંબા સમયગાળાના લીઝ પર આપી હતી. આ જમીનને ગૌચરમાંથી સરકારના 2014ના પરિપત્રના આધારે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં હેતુફેર કરવા માટે નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ચેરીટી કમિશનર સમક્ષ ચેન્જ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેને ફગાવી દેતાં ડેપ્યુટી ચેરિટી કમિશનરે નોંધ્યું હતું કે, આ જમીન AMCની હોવાથી તે અરજી રદ કરવાનો હુકમ કર્યો હતો.
કયા પ્રકારનો છે દસ્તાવેજ
આ જમીનનો પ્રતિ ચોરસ મીટર દસ્તાવેજ વખતે 5 હજાર રૂપિયા જેટલો ભાવ હતો. જેનું માસિક ભાડુ 02 વર્ષ અને 11 મહિના માટે 1.65 લાખ નક્કી કરવામાં આવ્યું હતું. એડવોકેટ સુનિલ જૈનને ત્યાં આની નોટરી કરવામાં આવી હતી. આ દસ્તાવેજ પ્રમાણે બેંકમાં જમીન લખી આપનારની ફેવરમાં બેન્ક ડિપોઝીટ કરવામાં આવી. તમામ ટેક્સ ખરીદનારે ભરવાનો રહ્યો. જમીન ઔદ્યોગિક ઉપયોગ માટે અપાઈ છે. TP સ્કીમમાં જમીન પરથી રોડ નીકળતો હોવાથી તેની જગ્યા રાખવાની પણ દસ્તાવેજમાં જોગવાઈ કરાઈ છે. જમીનના સબ લિઝ હોલ્ડર તરીકે યાસીન ઘાંચી છે. ઓરિજિનલ લીઝ ડીડ કાયમી સ્વરૂપની છે. તમામ હક્ક અને પરવાનગી લખી લેનારને અપાઈ છે. લખી આપનાર મહંત નરસિંહ દાસજી ગૌ સેવા ટ્રસ્ટ તરીકે દિલીપદાસજી જ્યારે લખાવી લેનાર જગન્નાથ કન્સલ્ટન્ટના એકમાત્ર પ્રોપ્રાઇટર યાસીન ગનીભાઈ ઘાંચી છે. જે બંનેના આધાર પુરાવા દસ્તાવેજમાં રજુ કરાયા છે.
લીઝ પેટે કેટલી રકમ ચુકવાઈ
લીઝ દ્વારા જમીનના નક્કી કરાયેલ 7.75 કરોડ રૂપિયા પૈકી 21 સપ્ટેમ્બર 2017ના રોજ મણીનગરની IDBI બેંકમાં ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા 4 કરોડ રૂપિયા ચૂકવાયા હતા. 25 સપ્ટેમ્બરના રોજ 3 કરોડ રૂપિયા ચૂકવાયા. જ્યારે 5 ઓક્ટોબર 2017ના રોજ 75 લાખ રૂપિયા ચેકથી ચૂકવાયા હતા. TDSની રકમ 7.75 લાખ રૂપિયા આવકવેરા વિભાગમાં જમા કરાવવા SBI જમાલપુરમાં 06 ફેબ્રુઆરી 2018ના રોજ જમા કરવામાં આવ્યા હતા.
ચેરિટી કમિશ્નરનો દસ્તાવેજ રદ્દ કરવાના અવલોકનો
જગન્નાથ મંદિર ટ્રસ્ટ A/340/Ahmedabad નંબરથી 1952થી રજીસ્ટર્ડ છે. જ્યારે નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટ E/2365/AHM નંબરથી રજીસ્ટર્ડ છે. નિરીક્ષકના વચગાળાના અહેવાલ અને જુદા-જુદા ડોક્યુમેન્ટ્સ જોતા મંદિરની દાણીલીમડા, બહેરામપુરા, પીપળજ, પાલડી, દસક્રોઈના વાંચ, હિરપુર વગેરે ખાતે મિલકતો છે. આ મિલકતો સંદર્ભમાં જુદી-જુદી 10 ફરિયાદો મળેલી છે. જેમાં ટ્રસ્ટી દ્વારા ગેરરીતિ આચરાઈ હોવાની ફરિયાદો છે. બહેરામપુરા અને દાણીલીમડાની 2,94,987 સ્કવેર મીટર જમીનની ફરિયાદો મળી છે. 1926માં અમદાવાદ કલેકટરે નરસિંહદાસજીને સર્વે ન.239ની જમીન આપી હતી. જે મંજૂરી વગર ટ્રસ્ટે લઘુમતી કોમ્યુનિટીને આપી દીધી છે.
ઘણી જમીનો ભાડે અથવા વેચાણથી આપવામા આવી છે. પરંતુ અરજદારો તે કાગળો રજૂ કરી શક્યા નથી. આ અંગે બહેરામપુરાની સર્વે ન.239ની જમીન અંગે સત્તાધીશની પરમિશન વગર જમીન વેચવા અંગે ટ્રસ્ટી પાસેથી જવાબ પણ મંગાયો હતો. ટ્રસ્ટની જમીન લાંબા ગાળાની લીઝ પર આપવી તે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950ના સેક્શન 36નું ઉલ્લંઘન છે.
સર્વે નંબર 138ની બહેરામપુરાની 1,27,084 ચોરસ મીટરની જમીન છે. ટ્રસ્ટ તે મિલકતનું માલિક નથી તેમ છત્તા ઓથોરિટીની પરમિશન વગર જમીન લીઝ પર અપાઈ છે. આ જમીન AMCએ નરસિંહદાસજી ટ્રસ્ટને 1992માં લાંબા ગાળાની લીઝ પર આપી હતી. ટ્રસ્ટે 24,211 ચોરસ મીટર જમીન યાસીન ઘાંચીને આપી છે. લીઝ 02 વર્ષ અને 11 મહિના માટે અપાઈ છે. જેના સંપૂર્ણ અધિકાર યાસીન ઘાંચીને અપાયા છે. યાસીન ઘાંચી આ જમીન અન્યને પણ ટ્રાન્સફર કરી શકે છે. રકમને જોતા પ્રોપર્ટી વેચી હોવાનું લાગી રહ્યું છે.
ટ્રસ્ટની સલાહકાર સમિતિના સભ્યના દીકરાને પણ લીઝ પર જમીન આપી
ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટીને સલાહ આપતા સલાહકાર સમિતિના સભ્ય કાળુભાઇ ઝાલાવાડીયાના પુત્ર મૃગેશ કાળુભાઇ ઝાલાવાડીયાને પણ લીઝ ઉપર 25,076 ચોરસ મીટર જમીન આપી દેવામાં આવી છે. જેનું માસિક ભાડુ 1.65 લાખ અને પ્રીમિયમ 05 કરોડ છે. આ લીઝ ડીડ રજીસ્ટર થઈ નથી. આ જમીન પણ વેચાણ કરી હોય તેવું જ લાગી રહ્યું છે. કારણ કે તેમાં પણ બધા જ હક્કો લીઝ લેનારને આપી દેવામાં આવ્યા છે.
‘ટ્રસ્ટીઓ ફ્રોડ કરી રહ્યા છે’
ટ્રસ્ટીઓ ફ્રોડ કરી રહ્યા છે. ગાંધીજીની ફિલોસોફી પ્રમાણે ટ્રસ્ટીઓ ટ્રસ્ટની મિલકતના રક્ષક છે, માલિક નહીં. ટ્રસ્ટીઓને ટ્રસ્ટના કાયદાની સમજ હોવી જોઈએ. દિલીપદાસજીને તેની ખબર હોય નહીં તેમ માની શકાય. પરંતુ ટ્રસ્ટના સલાહકારોએ પણ જમીન અંગે ચેરિટી કમિશ્નરની મંજૂરી લીધી નહીં.
2020માં ચેરિટી કમિશનરે કરેલો હુકમ
જે લોકોએ ટ્રસ્ટ પાસેથી જમીન લીધી છે તે પરત કરવી જોઈએ. જમીન ટ્રાન્સફર કરવા બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ અંતર્ગત પ્રક્રિયા કરવી જોઈએ. ટ્રસ્ટે સર્વે ન. 138, 322, 323, 324, 237/1, 230, 231, 234, 232, 233 અને 229 ની જમીનો ભાડે કે લીઝ પર આપી હોય તે વેચાણ જ છે. તે ટ્રસ્ટ એકટના નિયમો તોડે છે. આ માટે ટ્રસ્ટ દ્વારા ચેરિટી કમિશ્નર પાસેથી પરમિશન લેવાઈ નથી. જેથી આ અંગેના તમામ ટ્રાન્ઝેક્શન ગેરકાનૂની છે. આ હુક્મની નકલ અમદાવાદ જિલ્લા કલેકટરને પણ મોકલવાનો હુક્મ કરવામાં આવ્યો છે.
ચેરિટી કમિશનરના હુકમને હાઇકોર્ટમાં પડકારાયો
ચેરિટી કમિશ્નરના આ નિર્ણયને 2020માં જ યાસીન ઘાંચી દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ કેસમાં VHPના ધર્મ પ્રચાર આયમના સહમંત્રી ધર્મેન્દ્ર ભાવાણી પક્ષકાર બન્યા છે. તેમનું કહેવું છે કે જગન્નાથ મંદિર ટ્રસ્ટ માલિકીની જમીન વેચવાના મુદ્દે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, અમદાવાદ જિલ્લા કલેકટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ચેરિટી કમિશ્નરને જાણ કરાઈ છે. આ કેસ પર આજે એટલે કે 3 જુલાઈએ સુનાવણી થશે.
‘2. 97 લાખ ચો.મી જમીન વેચીને બહુ મોટું લેન્ડ જેહાદનું કામ થયું’
VHPના ધર્મ પ્રસાર વિભાગના અખિલ ભારતીયના સહમંત્રી અને પૂર્ણકાલિન કાર્યકર ધર્મેન્દ્ર ભાવાણી(પટેલ)એ જણાવ્યું કે,જગન્નાથ મંદિરના જ કેટલાક ભ્રષ્ટ વહીવટદારોએ આ જ મંદિરની ગાય માતાની અને સંવર્ધન માટેની ભૂમિ કુલ મળીને 12 સર્વે નંબરની 2 લાખ 97 ચોરસમીટર જમીન વેચીને બહુ જ મોટું લેન્ડ જેહાદનું કામ થયું છે અને ભ્રષ્ટાચારનું કામ કેટલાંક મંદિરના વહીવટદારો દ્વારા થયું છે. આ ભૂમિ કુલ મળીને દાણીલીમડા અને બહેરામપુરા સીમની ભૂમિ છે. અમને ખબર પડતાં અમે સપ્ટેમ્બર-2019માં આ વિષયને લઇને ચેરિટી કમિશનરના દરવાજા ખખડાવ્યાં હતા. આ તબક્કે હું ધન્યવાદ આપું છું ચેરિટી કમિશનર, ગુજરાત રાજ્ય વાય.એમ. શુક્લ સાહેબને કે તેમણે અમારી વાત સાંભળી તમામ પ્રકારના બારે બાર સર્વે નંબરના લીડ એગ્રીમેન્ટ, દસ્તાવેજો રદબાતલ કરવાનો ઓર્ડર કર્યો હતો. ત્યારબાદ સામેના પક્ષો હાઇકોર્ટમાં અપીલમાં ગયા. તેમાં પણ અમારી બે સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન હાઇકોર્ટમાં ચાલી રહી છે. અમે લોકાયુક્તમાં પણ ગયા.
‘જગન્નાથ કન્સલ્ટન્ટના પ્રોપરાઇટર તરીકે યાસીન ઘાંચીનું નામ દાખલ’
VHPના ધર્મેન્દ્ર ભાવાણીનું કહેવું છે કે AMCએ 1992માં સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરીને સર્વે ન.138ની પ્લોટ નંબર 136 ની 63 વીઘા જમીન નરસિંહદાસજી ગૌસેવા ટ્રસ્ટને કાયમી ભાડા પેટે આપી હતી.જે ગાયોના ઘાસના નિભાવ માટે અપાઈ હતી. મંદિરની આ જમીન પર જગન્નાથ કન્સલ્ટન્ટના સોલ પ્રોપરાઇટર યાસીન ઘાંચીનું કાયમી લીઝ દસ્તાવેજથી નામ દાખલ કરાયું છે. યાસીન ઘાંચી દ્વારા મુકાયેલ સ્કીમ પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક એચ.એસ.હોટેલ વાલા બહેરામપુરાની જમીન વેંચતા અગાઉ તે માટે ચેરિટી કમિશ્નરની પરવાનગી લેવાઈ નહોતી. જેથી AMC દ્વારા રજા ચિઠ્ઠી રદ્દ કરવામાં આવી હતી. તેથી તે જમીન પર બાંધકામ સ્થગિત કરી દેવાયું હતું.આમા ટ્રસ્ટીએ ગેરરીતિ આચરી છે. જેથી આગળ ગેરરીતિ ન આચરે તે માટે ટ્રસ્ટીઓને દૂર કરી વહીવટદાર નીમવામાં આવે. AMCની જમીન પરથી ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવે.
‘જમીન લેનાર અને વેચનારે મંદિર, સરકાર તથા પરંપરા સાથે છેતરપિંડી આચરી’
તેમણે વધુમાં કહ્યું કે, 11 કરોડ કરતાં વધારે સ્ટેમ્પ ડ્યુટીની ચોરી લેનાર અને વેચનારે કરી છે, યાને કે મંદિર, સરકાર, પરંપરા સાથે છેતરપિંડી લેનાર અને વેચનારે કરી છે. માટે આ 11 કરોડ રૂપિયા દંડ સહિત વસૂલવામાં આવે અને લેનાર તથા વેચનારને જેલના સળિયાંઓની પાછળ ધકેલી દેવામાં આવે તેવી માંગ સાથે અમે લોકાયુક્તમાં ગયા હતા. દોઢ-બે વર્ષ સુધી અમે ઇન્તેજાર કર્યો પણ લોકાયુક્તે અમને ન્યાય નહીં આપ્યો એટલે અમે લોકાયુક્તને પાર્ટી બનાવી અને અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ત્રણ-ચાર દિવસ પહેલાં જ સડનલી દાખલ થયાં છીએ. એસ.સી.એ. પણ ચાલી રહી છે. બીજી બાજુ હાઇકોર્ટમાં અમે PIL( જાહેર હિતની અરજી )કરી છે. PILમાં પણ અમારી માંગ છે કે કોર્પોરેશને ભૂમિ ગાય માતાના સંવર્ધન માટે આપી હતી અને ભાવિક ભક્તોએ ભૂમિ મંદિર માટે આપી હતી. ગાય માતા અને મંદિર સમાજ હિતના બહુ જ મોટા શ્રધ્ધા કેન્દ્રો છે અને જે હેતુથી ભૂમિ મળી હતી તે જ હેતુથી પરત મંદિર અને ગાય માતાને મળે તે અમારી માંગ છે.
AMCએ રજાચિઠ્ઠી સ્થગિત કરી
ધર્મેન્દ્ર ભાવાણી કહે છે કે, સમય સમયે સરકારના મુખ્ય લોકોને મળ્યાં છીએ. મુખ્યમંત્રી, મહેસુલ મંત્રીને વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓએ લેખિતમાં તેમજ મૌખિકમાં રજૂઆત કરી છે. સરકારે પણ અમારી વાત સાંભળી આની અંદર પોઝીટીવ વિચાર કરી સત્યને ઉજાગર કરવા માટે અમને દિલાસો આપ્યો છે. છ-આઠ મહિના પહેલાં વિશ્વ હિન્દુ પરિષદના મુખ્ય અધિકારીઓ સરકારના મુખ્ય લોકોને મળવા માટે ગયા હતા. ત્યારબાદ ઉત્તરોત્તર કોર્ટોમાં મામલો હોવાથી અત્યારે રજા ચિઠ્ઠી પણ કોર્પોરેશને સ્થગિત કરી છે અને તેની સામે કોર્પોરેશને પણ એકશન લીધાં છે. આવનાર સમયમાં સરકાર પાસે અમારી માંગ છે અને ન્યાયાલય પાસે પણ અપેક્ષા રાખીએ છીએ કે સત્ય ઉજાગર કરી સનાતની પરંપરા અને હિન્દુઓને ન્યાય મળે અને લેન્ડ જેહાદમાંથી કર્ણાવતી મહાનગરના હિન્દુઓને છુટકારો મળે તેવી અમારી માંગ છે.
‘જગન્નાથ મંદિરની ભૂમિ જગન્નાથ મંદિર જેવા જ ભળતીયાં નામે જગન્નાથ કન્સલ્ટન્સી. પહેલાં આપણને એવું લાગે કે આનો કોઇ હિન્દુ પ્રોપરાઇટર હશે. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, જગન્નાથ કન્સલ્ટન્સીનો પ્રોપરાઇટર હિન્દુ નથી પણ ભળિયતું નામ રાખી આટલી મોટી છેતરપિંડી કરવામાં આવી છે. બિલ્ડર ઉસ્માન ઘાંચી જે જગન્નાથ કન્સલટન્સીના પ્રોપરાઇટર છે અને આ બિલ્ડર દ્વારા બહુ જ મોટું લેન્ડ જેહાદનું કાવતરું અમદાવાદના હિન્દુઓ સામે થયું છે તે વિશ્વ હિન્દુ પરિષદ કયારેય સાંખી નહીં લે’.
‘લીલીઝંડી હતી માટે હું 2019થી લડતો હતો’
તેમણે વધુમાં જણાવ્યું કે, હું વિશ્વ હિન્દુ પરિષદનો જ છું. લીલીઝંડી હતી માટે હું 2019થી લડતો હતો. વિશ્વ હિન્દુ પરિષદે કયારેય લેન્ડ જેહાદ હોય, લવ જેહાદ હોય, ધર્માંતરણ હોય, હિન્દુઓની સુરક્ષાના મુદ્દા હોય તેમાં કયારેય પાછીપાની કરી નથી. હમણાં જે PIL દાખલ કરી છે તે વિશ્વ હિન્દુ પરિષદે દાખલ કરી છે અને આ PILથી લઇ ચેરિટી કમિશનર સુધીની તમામ લડાઇ વિશ્વ હિન્દુ પરિષદ લડી રહી છે. હું તો માત્ર નિમિત્ત છું. જો હિન્દુત્વનું કામ કરવા માટે ઘર પરિવાર છોડીને નીકળ્યાં છીએ. ધર્માતરણનો મુદ્દો હોય, હિન્દુત્વને બચાવવાનો મુદ્દો હોય સમાજ, રાષ્ટ્ર અને ધર્મની રક્ષાનો મુદ્દો હોય. આવા મુદ્દા લઇને ગુજરાત અને દેશમાં મારે જવાનું થતું હોય . આવા અનેક મુદ્દાઓને લઇને ધમકીઓ મળતી રહેતી હોય છે. સરકારે પહેલાં મારી વાત સાંભળી એક હથિયારધારી અમોને પોલીસ રક્ષણ માટે આપી છે. પરંતુ સરકારને અમે લેખિતમાં બે વખત રજૂઆત કરી છે કે અમને યોગ્ય પોલીસ રક્ષણ આપી અમે હિન્દુત્વની લડાઇને મજબૂત બનાવવા માટે અમને સુરક્ષિત કરવામાં આવે અને સરકાર અમારી વાત સાંભળી યોગ્ય સુરક્ષા આપવા માટે કાંઈ ને કાંઈ ઘટતું કરશે તેવો અમને વિશ્વાસ પણ છે.
‘આ સિવાયની પણ જમીનો પણ મંદિરના વહીવટદારોએ વેચી છે’
ધર્મેન્દ્ર ભાવાણીએ કહ્યું હતું કે, અમારા હાઇકોર્ટના વકીલ વેણુગોપાલ પટેલ અને કુશલ શાહ આ આખો કેસ જોઈ રહ્યાં છે. તેમની સાથે બાકી પણ વકીલોની ટીમ છે. અમારો લીગલ ડિપાર્ટમેન્ટ પણ આની અંદર કામ કરી રહ્યો છે. આના સિવાયની પણ જમીનો પણ મંદિરના વહીવટદારોએ વેચેલી છે. બાકીની ભૂમિઓ કેવી રીતે અપાવવી અને આના માટે લડાઇને મજબૂતાઇથી આગળ લઇ જવા માટે લીગલી શું કરી શકાય તેના માટે અમારા વકીલો ચિંતન-મનન કરી રહ્યાં છે.
જો 7 કરોડ 75 લાખ ઓનલાઇન પેમેન્ટ એટલે કે વ્હાઇટ પેમેન્ટ થયું છે. બાકી તો કરોડો રૂપિયા કોના ખિસ્સાંમાં ગયા છે, કઇ વાડ ચીભડાં ગળી રહી છે તે તો મંદિરના મુખ્ય વહીવટદાર મહેન્દ્રભાઇ ઝા જ બતાવી શકે અને આખેઆખા ગોટાળામાં મહેન્દ્રભાઇ ઝા બિલકુલ સામેલ છે. આ હું તથ્ય સાથે કહી રહ્યો છું. PILમાં ગુજરાત સરકાર, મંદિરના બંને ટ્રસ્ટો જગન્નાથ મંદિર ટ્રસ્ટ, નરસિંહદાસ ગૌ શાળા ટ્રસ્ટ અને કુલ મળીને 7 પક્ષકારો છે.