પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ પર અત્યાચાર થઇ રહ્યો છે ત્યારે તેમના માટે ભારતના દરવાજા ખુલ્લા જ છે અને તેઓ ગમે ત્યારે આવી શકે છે તેમ આરએસસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ પાકિસ્તાનના સ્થળાંતરિત હિન્દુ ડોકટરોને ભારતમાં પ્રેક્ટિસની છૂટ આપવા માટે યોજાયેલા આભાર કાર્યક્રમમાં બોલતા જણાવ્યું હતું. સિટીઝન એમેડમેન્ટ એક્ટ (સીએએ)ને પૂર્ણ રીતે કાયદો બનાવીને પાક.-બાંગલાદેશના પ્રતાડિત હિન્દુઓને આ દેશના નાગરિક ઝડપથી બનાવી શકાય તેમાં સરકાર પીછેહઠ નહીં કરે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ભારતીય ગૌરવ, સંસ્કૃતિના પુન:સ્થાપન અને સનાતન ધર્મની સેવાનું કાર્ય કર્યું છે.
ગુરુપૂર્ણિમાના દિવસે અમદાવાદના ટાગોર હોલમાં ‘માઇગ્રન્ટ પાક હિંદુ ડોક્ટર્સ રજિસ્ટ્રેશન આભાર સમારોહ’ યોજાયો હતો. કુલ ૧૩૨ ડોક્ટરે એનએમસી એક્ઝામ પાસ કરી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાતમાં કુલ ૩૨ ડોક્ટર સેવાઓ આપશે.
આ કાર્યક્રમમાં બોલતા સંઘના અગ્રણી હોસબોલેએ કહ્યું હતું કે, ભારતમાં પાક હિન્દુ તબીબોને પ્રેક્ટિસની મંજૂરી મળે તે માટે સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, ભાજપના નેતાઓ અને સરકારમાં બેઠેલા સહિતના અગ્રણીઓ પ્રયત્ન કરતા હતા તેનું પરિણામ આજે મળ્યું છે. વિશ્વના કોઇપણ ખૂણે રહેતા અને પ્રતાડિત થતા હિન્દુઓના પાલન માટે ભારત માતા તૈયાર હોવાનું કહ્યું હતું. ભારતમાં પારસી, યહુદી-જ્યુ સહિત અનેક તેમના દેશમાં પ્રતાડિત કરાયેલો લોકોએ વસવાટ કર્યો છે પરંતુ ક્યારેય હિન્દુઓએ તેમની સાથે અયોગ્ય વ્યવહાર કર્યો નથી. દેશના ભાગલા એક ભૂલ અને ઇતિહાસનું કાળુ પૃષ્ઠ હતું. પાક. અને બાંગલાદેશમાં પ્રતાડિત હિન્દુઓને ભારતમાં નાગરિક બને તે માટે પ્રયાસ થયા. સીએએ લવાયો પરંતુ વિશ્વમાં તેની વિરુધ્ધમાં પ્રચાર થયો તેમ છતાં આ એક્ટને પૂર્ણ સ્વરૂપે કાયદો બનાવી નાગરિકતા ઝડપથી મળે તે માટે વિઘ્નોને દૂર કરવા વાતાવરણ નિર્માણ કરવું પડશે. અખંડ ભારત મુદ્દે વાત કરતા હોસબોલેએ કહ્યું હતું કે સંઘની સંસ્થાઓના કાર્યકરો ૧૪-૧૫ ઓગસ્ટે અખંડ ભારતનું સ્મરણ કરી તેનો સંકલ્પ કરે છે. ભારતને અખંડ બનાવીને ભારત માતાને વિશ્વ સમક્ષ મૂકવાનો હિન્દુ જીવનનો સંકલ્પ હોવો જોઇએ તેમ કહ્યું હતું.
સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે માઇગ્રન્ટ હિન્દુ તબીબોએ અંધકારથી ઉજાસ તરફની સફળ યાત્રા કરી છે અને હવે ભારતમાં કાયમી વસવાટ સાથે સેવા કરવાના છે. રજિસ્ટ્રેશન થયા છે તેવા તબીબો ગુજરાતની આરોગ્ય સેવામાં યોગદાન આપશે તે ગૌરવની વાત છે.
સંઘના અગ્રણી પ્રશાંત હરતાલકરે કહ્યું હતું કે, ૧૭ હજાર હિન્દુને પાકિસ્તાનથી ભારત લવાયા છે. માઈગ્રેટ પાક-હિન્દુના સંયોજક રાજેશ મહેશ્વરીએ પાક.માં રહેલા હિન્દુ સંબંધીઓને ઝડપથી વિઝા મળે, નાગરિકતા જલદી મળે તેવી માગ કરી હતી. સાંસદ ડો. કિરીટ સોલંકી સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આમંત્રિતોની યાદીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નામ હતા પરંતુ કોઇ કારણસર ઉપસ્થિત રહી શક્યા ન હતા.