એક ઈન્ટરનેશનલ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં ઈમરાન ખાને પોતાની સરખામણી નેલસન મંડેલા અને ગાંધીજી જેવા મહાન નેતાઓ સાથે કરી છે. તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાનની સરકાર મને જેલમાં ધકેલવાની છે. જેથી હું ચૂંટણી ના લડી શકું. પણ સરકાર મને જેટલુ દબાવવાના પ્રયત્નો કરશે તેટલી જ મારી પાર્ટી પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફ વધારે લોકપ્રિય બનશે. મારો કોઈ સ્વાર્થ નથી. હું નેલસન મંડેલા, મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી જિન્હાના પગલે ચાલવા માંગું છું.
ઈમરાને કહ્યુ હતુ કે, હું રાજકારણમાં કેરિયર બનાવવા માટે નથી આવ્યો. હું તો કોઈને પણ આ ક્ષેત્રમાં કેરિયર બનાવવાની સલાહ પણ આપતો નથી. કારણકે આ સૌથી ખરાબ ક્ષેત્ર છે. રાજકારણમાં આવવા પાછળનો હેતુ હોય છે. નેલસન મંડેલા, મહાત્મા ગાંધી, જિન્હા જેવા લોકોએ આઝાદી માટે લડાઈ લડી. તેઓ નિસ્વાર્થ સેવક હતા અને તેમના થકી મને પણ પ્રેરણા મળે છે.તેમને સત્તાની લાલચ ક્યારેય નહોતી.
ઈમરાન ખાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પાકિસ્તાનમાં જ્યારે પણ ચૂંટણી યોજાશે ત્યારે પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફ પાર્ટી જ વિજયી બને.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાનની ખુરશી ગુમાવ્યા બાદ ઈમરાન ખાન પર અત્યાર સુધીમાં શાહબાઝ શરીફની સરકારે ભ્રષ્ટાચાર, હત્યા, હુમલા, દેશદ્રોહ સહિતના વિવિધ આરોપો હેઠળ 170 કેસ કર્યા છે.