મહારાષ્ટ્ર એનસીપીમાં બળવો પોકારી એકનાથ શિંદે તથા દેવેન્દ્ર ફડણવીસનાં વડપણ હેઠળની શિવસેના-ભાજપ યુતિ સરકારમાં નાયબ મુખ્યપ્રધાન તરીકે જોડાઈ ચૂકેલા અજિત પવાર પક્ષમાં ધારાસભ્યોના ટેકાની બાબતમાં પક્ષના સ્થાપક શરદ પવાર કરતાં સરસાઈ ધરાવતા હોવાનું આજના શક્તિ પ્રદર્શનમાં જણાયું હતું. એનસીપીના ૫૩ ધારાસભ્યો છે. તેમાંથી અજિત જૂથે બાન્દ્રા એમઆઈટી ખાતે યોજેલી બેઠકમાં ૩૨ ધારાસભ્ય હાજર રહ્યા હતા. જોકે, અજિતને પક્ષાંતર વિરોધી ધારાથી બચવા માટે ૩૬ ધારાસભ્યની જરુર છે. તેની સામે શરદ પવારે સાઉથ મુંબઈમાં વાય.બી. ચવાણ સેન્ટર ખાતે યોજેલી બેઠકમાં ૧૮ ધારાસભ્યો હાજર રહ્યા હતા. કેટલાક ધારાસભ્યો હજુ પણ અનિર્ણિત છે અને કેટલાક ધારાસભ્યો હજુ પણ છાવણી બદલી શકે છે તેમ કહેવાય છે.
સમાંતર બેઠકોમાં કાકા-ભત્રીજા બંનેએ એકબીજા પર પ્રહારો કર્યા હતા. અજિત પવારે કહ્યું હતું કે શરદ પવારે હવે રાજકારણમાંથી નિવૃત્ત થઈ જવાનો સમય પાકી ગયો છે. તેમણે મહારાષ્ટ્રમાં ૨૦૦૪માં પણ એનસીપીના મુખ્યપ્રધાન બને તેવી તક ગુમાવી દેવા બદલ શરદ પવાર પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. અજિતે આક્રોશ સાથે જણાવ્યું હતું કે ખુદ શરદ પવાર વારંવાર ભાજપ સાથે જોડાણના પ્રયાસો કરી ચૂક્યા છે પણ દર વખતે મને વિલન બનાવી દેવાયો છે. બીજી તરફ શરદ પવારે અજિત પવારને ચેતવણી આપી હતી કે ભાજપ તેના દરેક સાથીને ખતમ કરી દે છે એ વાત તેમણે યાદ રાખવી જોઈએ.
બાન્દ્રા એમઆઈટી ખાતે પોતાના ટેકેદારોને સંબોધતાં અજિત પવારે કહ્યું હતું કે શરદ પવાર હવે વયોવૃદ્ધ થઈ ચૂક્યા છે. તેમણે નવી પેઢીને પક્ષની બાગડોર સોંપી દેવી જોઈએ. ૮૩ વર્ષના થયા છો, હવે તો અટકો અને અમને પક્ષ સોંપી દો એમ તેમણે જણાવ્યુ ંહતું. તેમણે શરદ પવારને યાદ અપાયું હતું કે ભાજપમાં પણ ૭૫ વર્ષે વય નિવૃત્તિનો નિયમ છે. તેના લીધે તે પક્ષમાં નવી પેઢીનો ઉદય થયો છે.
અજિત પવારે કહ્યું હતું કે એનસીપીને એકથી વધુ વખત મુખ્યપ્રધાનપદની તક મળી હતી. પરંતુ, શરદ પવારે આ તક વેડફી નાખી હતી. અગાઉ કોંગ્રેસ સાથે યુતિ કરી ત્યારે એનસીપીના ધારાસભ્યોની સંખ્યા વધારે હતી તેમ છતાં પણ શરદ પવારે મુખ્યપ્રધાનપદ કોંગ્રેસને તાસક પર ધરી દીધું હતું. અજિતે દાવો કર્યો હતો કે પક્ષના તમામ ધારાસભ્યો તેમની સાથે છે. તેમણે દાવો કર્યો તો કે બીજી મીટિંગમાં પણ જે ધારાસભ્યો હાજર છે તેઓ તેમના જ સમર્થકો છે.
ભાજપ સાથે ક્યારેય નહીં જોડાાવના શરદ પવારના નિર્ધારને ખોટો ઠેરવતાં અજિત પવારે કહ્યું હતુ કે શરદપવાર ખુદ કબૂલ કરી ચૂક્યા છે કે ભાજપ સાથે જોડાણના આ પહેલાં અનેક પ્રયાસ થઈ ચૂક્યા છે. ૨૦૧૪માં પણ નીતિન ગડકરીએ શિવસેના તથા એનસીપી બંનેને ૧૪-૧૪ બેઠક આપવાની ફોર્મ્યૂલા આપી હતી. પરંતુ, બાદમાં તે વાત પડી ભાંગી હતી. ૨૦૧૭માં પણ એનસીપી તથા ભાજપ વચ્ચે યુતિનો પ્રયાસ થયો હતો. પરંતુ છેલ્લી ઘડીએ ભાજપે શિવસેનાને છેહ નહીં આપવાનું નક્કી કર્યું હતું. શરદ પવારે જ મને ૨૦૧૯માં ભાજપ સરકારમાં શપથ લેવા જણાવ્યું હતું. એક અગ્રણી ઉદ્યોગપતિના ઘરે બેઠકો થઈ હતી.
તેમાં એનસીપી તથા ભાજપના ટોચના નેતાઓ હાજર હતા. બાદમાં શરદ પવાર ફરી ગયા હતા. અજિતે દાવો કર્યો હતો કે એકનાથ શિંદેએ બળવો કર્યો અને ધારાસભ્યોને લઈને ગુવાહાટી પહોંચ્યા ત્યારે પણ શરદ પવારે ભાજપ સાથે જોડાણના પ્રયાસો કર્યા હતા. દર વખતે તેઓ ભાજપ સાથે જોડાવાના પ્રયાસોમાં સામેલ રહ્યા છે પરંતુ દર વખતે મને જ વિલન જાહેર કરી દેવામાં આવ્યો છે. હું પાંચ વખત નાયબ મુખ્યપ્રધાન રહ્યો છું પરંતુ મારે હવે રાજ્યનું નેતૃત્વ કરવું છે. અજિતે કહ્યું હતું કે આજે તો હું હજુ બહુ ઓછું બોલ્યો છું. ભવિષ્યમાં વધારે વાતો પ્રગટ કરવાની ફરજ પડશે. તેમણેશરદને જીદ છોડવા અપીલ કરી હતી.
બીજી તરફ , શરદ પવારે પોતાના સમર્થકોને સંબોધતાં કહ્યું હતું કે હજુ થોડા સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્રમ ોદીએ એનસીપીને ભ્રષ્ટ પાર્ટી ગણાવી હતી. તેમ છતાં પણ આપણા જ કેટલાક લોકો હવે ભાજપ સાથે ભળી ગયા છે. જો એનસીપી ભ્રષ્ટાચારી હોય તો આવી ભ્રષ્ટાચારી પાર્ટીના નેતાઓને ભાજપ કેમ પોતાની સાથે લઈ રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે ભાજપ હિંદુત્વના દાવા કરે છે પરંતુ વાસ્તવમાં તે વિભાજનવાદી પાર્ટી છે. તે લોકો વચ્ચે વિખવાદ પેદા કરાવે છે.
અજિત જૂથની મીટિંગમાં પોતાના ફોટા મૂકવાનો વિરોધ કરતાં શરદ પવારે કહ્યું હતું કે એ લોકો જાણે છે કે તેમની પાસે મારા ફોટા સિવાય બીજું કશું વિશેષ છે જ નહીં. હજુ થોડા દિવસો પહેલાં અજિત પવાર મુખ્યપ્રધાન એકનાથ શિંદેની ઠેકડી ઉડાડતા હતા પરંતુ હવે આજે તેમની સાથે જોડાઈ ગયા છે અને ભાજપના ગુણગાન ગાઈ રહ્યા છે. પરંતુ, એ યાદ રાખવું જોઈએ કે ભાજપના દરેક સાથીએ આખરે રાજકીય વિનાશનો સામનો કરવો પડયો છે. ભાજપ સાથે જોડાનારાઓના પણ એ જ હાલ થશે. પોતાના રાજકીય સાથીઓને સતત નબળા પાડતા જવાની ભાજપની નીતિ છે. અકાલી દળ સહિતના પક્ષો આ ભોગવી ચૂક્યા છે. આંધ્ર, તેલંગણા અને બિહારમાં પણ ભાજપના સાથીઓની બૂરી હાલત થઈ છે.