ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 12 જુલાઈથી ટેસ્ટ સિરીઝ રમાશે. આ ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ તેના કોચ રાહુલ દ્રવિડ સાથે સોશ્યલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે, જે ક્રિકેટ ચાહકોમાં હલચલ મચાવી રહી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ ડોમિનિકામાં રમાશે. આ સ્થિતિમાં કોહલીએ દ્રવિડ સાથેની પોસ્ટ શેર કરી અને લખ્યું કે, “માત્ર બે ખેલાડીઓ 2011માં ડોમિનિકામાં રમાયેલી છેલ્લી ટેસ્ટનો ભાગ હતા. ક્યારેય વિચાર્યું ન હતું કે આ સફર આપણને વિવિધ ક્ષમતાઓમાં અહીં પાછા લાવશે. ખૂબ આભારી.”
The only two guys part of the last test we played at Dominica in 2011. Never imagined the journey would bring us back here in different capacities. Highly grateful. 🙌 pic.twitter.com/zz2HD8nkES
— Virat Kohli (@imVkohli) July 9, 2023
ફોટો શેર કરતા ભાવુક થયો કોહલી
ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લે વર્ષ 2011માં ડોમિનિકામાં ટેસ્ટ મેચ રમી હતી. તે મેચમાં કોહલી અને દ્રવિડ ખેલાડીઓ તરીકે એકસાથે ટીમનો ભાગ હતા. હવે 12 વર્ષ બાદ ભારતીય ટીમ ફરી એકવાર ડોમિનિકામાં ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. આ વખતે કોહલી એક ખેલાડી તરીકે ટીમનો ભાગ છે જ્યારે દ્રવિડ કોચ તરીકે ટીમની સાથે છે. આ જ કારણ છે કે ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા કોહલી દ્રવિડ સાથેની ફોટો શેર કરતા ભાવુક જોવા મળ્યો હતો.
વર્ષ 2011 ટેસ્ટ સિરીઝથી કોહલીએ કર્યું હતું ડેબ્યુ
દ્રવિડ સાથે શેર કરેલી આ ફોટો પર કોમેન્ટ કરતાં હરભજન સિંહે કોહલીને શુભેચ્છા પાઠવી હતી. કોહલી વર્ષ 2011 ટેસ્ટ સિરીઝ રમવા માટે વેસ્ટ ઈન્ડિઝ ગયો હતો, તે ટેસ્ટ સિરીઝ કોહલીની ડેબ્યુ ટેસ્ટ સિરીઝ હતી. કોહલીએ ડોમિનિકા ટેસ્ટ મેચમાં 30 રનની ઇનિંગ રમી હતી. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર 2 ટેસ્ટ મેચ, 3 ODI અને 5 મેચની T20 સિરીઝ રમશે.