કૃષ્ણા ચેતના માટે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ISKCON)એ મંગળવારે ઇસ્કોનના સંત અમોઘ લીલા દાસ પર 1 મહિના માટે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.
ઇસ્કોને આ મામલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, લીલા દાસ પર સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ વિશેની ટિપ્પણીઓને લઈને ઉદ્ભવેલા વિવાદ પછી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર ઘટના?
નોંધનિય છે કે, અમોઘ લીલા દાસે સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસને લઇને વિવાદિત ટિપ્પણી કરી હતી.
તેમણે કહ્યું હતુ કે, ‘જો સ્વામી વિવેકાનંદ માછલી ખાય, તો શું તે એક સિદ્વ પુરુષ છે? કારણ કે, કોઈ પણ સિદ્વ પુરુષ ક્યારેય માછલી ખાશે નહી કારણ કે, માછલીને પણ પીડા થાય છે.એક સિદ્વ પુરુષના હૃદયમાં કરુણા હોય છે. આટલું જ નહીં અમોઘ દાસ લીલાએ તો ત્યાં સુધી કહ્યું કે સ્વામી વિવેકાનંદની કેટલીક વાતો સ્વીકાર્ય નથી. આ સિવાય તેમણે રામકૃષ્ણ પરમહંસ પર પણ નિશાન સાધ્યું. અમોઘ દાસ લીલાના આ નિવેદન બાદ ચર્ચા છેડાઈ હતી, ત્યારબાદ ઈસ્કોને આ નિર્ણય લીધો હતો.
કોણ છે અમોઘ દાસ લીલા?
મળતી માહિતી મુજબ, અમોઘ દાસ લીલા લખનૌના એક ધાર્મિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ઘણા ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે જણાવ્યું છે કે, વર્ષ 2000માં જ્યારે તે 12મા ધોરણમાં હતા ત્યારે તેમણે ભગવાનની શોધમાં પોતાનું ઘર છોડી દીધું હતું. જો કે, તેમણે પાછા આવીને સોફ્ટવેર એન્જિનિયરિંગની ડિગ્રી લેવાનું નક્કી કર્યું.
વર્ષ 2004માં તેમણે ગ્રેજ્યુએશન કર્યું અને તે પછી તેમણે અમેરિકામાં મલ્ટિનેશનલ કોર્પોરેશન માટે કામ કરવાનું શરૂ કર્યું. 2010માં કોર્પોરેટ વર્લ્ડને છોડવાનો નિર્ણય લેતા પહેલા તેમણે પ્રોજેક્ટ મેનેજરનો હોદ્દો પણ સંભાળ્યો હતો. 29 વર્ષની ઉંમરે, તેઓ ઇસ્કોનમાં જોડાયા અને કૃષ્ણ બ્રહ્મચારી બન્યા. એન્જિનિયરમાંથી સંત બનેલા અમોઘ દાસ લીલાને સોશિયલ મીડિયા પર ઘણા લોકો ફોલો કરે છે.