એલન મસ્કે જાહેરાતની આવકમાં નોંધપાત્ર ઘટાડો થવાથી કંપનીએ આર્થિક પડકારોનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સ્વીકાર્યું છે. સોશિયલ મીડિયા પરના પોસ્ટમાં એલન મસ્કે જણાવ્યું કે જાહેરાતની આવકમાં લગભગ ૫૦ ટકા ઘટાડો થવાથી અને ભારે દેવાના કારણે ટ્વીટર હજી પણ નકારાત્મક આવક ઝોનમાં છે. અન્ય સાહસો શરૂ કરવા અગાઉ તેમણે રોકડ પ્રવાહ સકારાત્મક ઝોનમાં આવવો જરૂરી હોવાનું જણાવ્યું હતું.
ગયા વર્ષે ૪૪ અબજ ડોલરના જંગી સોદામાં ટ્વીટર હસ્તગત કર્યા પછી એલન મસ્ક અધિકારીઓના રિશફલીંગ, વ્યાપક છટણી અને કન્ટેન્ટમાં હસ્તક્ષેપ કરવાના અભિગમની ચિંતા વચ્ચે જાહેરાતકારોને ખાતરી આપવા મથી રહ્યા છે.નોંધનીય છે કે કેટલાક અગ્રણી વપરાશકારો જેમના પર પ્રતિબંધ મુકાયો હતો તેમને ફરી મંજૂરી આપવામાં આવી છે.
એપ્રિલમાં મસ્કે આશાવાદ દર્શાવતા જણાવ્યું હતું કે છોડી ગયેલા કેટલાક જાહેરાતકારો પાછા ફર્યા હતા. આમ કહીને તેમણે બીજા ત્રિમાસીકમાં સકારાત્મક રોકડ પ્રવાહનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જાહેરાત વધારવાના પ્રયાસ તરીકે મસ્કે મે મહિનામાં નવા સીઈઓ તરીકે ઉદ્યોગો સાથે મજબૂત સંબંધ ધરાવતી એનબીસીયુનિવર્સલ એક્ઝેક્યુટીવ લિન્ડા યાકારિનોની નિયુક્તિ કરી હતી.
જો કે તાજેતરમાં ટ્વીટર દ્વારા દૈનિક ટ્વીટ મંતવ્ય પર મર્યાદા મુકવાના તેમજ યુઝરોને લોકઆઉટ કરવાના કિસ્સામાં વધારાએ કેટલાક વપરાશકારોમાં અસંતોષ જન્માવ્યો છે. મસ્કે આવા પ્રતિબંધોનો બચાવ કરતા દાવો કર્યો હતો કે મહત્વપૂર્ણ ડાટાના ગેરકાયદે સ્ક્રેપિંગ માટે તે જરૂરી હતા.
ફેસબૂકની પેરન્ટ કંપની મેટાએ આ મહિને થ્રેડ્સ નામની ટેક્સ્ટ કેન્દ્રિત એપ રજૂ કરતા ટ્વીટર સામેના પડકારો વધી ગયા હતા. આ એપમાં તુરંત કરોડો લોકો જોડાયા હતા. તેના પ્રતિસાદમાં ટ્વીટરે કાનૂની કાર્યવાહીની ધમકી આપી છે.