ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં ચાલુ વર્ષમાં થઈ રહેલી મોટાપાયે ખરીદીના સથવારે સેન્સેક્સ અને નિફટી અવિરત નવા વિક્રમો સજીૅ રહ્યા છે અને માર્ચ મહિનાની બોટમની સપાટીથી આ આંકમાં અત્યાર સુધીમાં ૧૫ ટકા જેટલો ઉછાળો આવ્યો છે. પરંતુ ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં વળતરની રીતે ભારતીય શેર બજારો હજુ વિશ્વના અન્ય કેટલાક વિકસીત અને વિકાસશીલ રાષ્ટ્રોના બજારોની રેસમાં હજુ પાછળ એટલે કે અન્ડરપરફોર્મર રહ્યા છે.
ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ભારતીય શેર બજારોમાં ટકાવારીની રીતે ૮ ટકા જેટલું જ વળતર એટલે કે સુધારો જોવાયો છે. જ્યારે વિશ્વના અન્ય પ્રમુખ ગણી શકાય એવા દેશોના બજારોમાં ૧૫ થી ૩૩ ટકા સુધીનું ઊંચુ વળતર જોવાયું છે.
માર્ચના બોટમથી સેન્સેક્સ અને નિફટી ૧૫ ટકા જેટલા વધીને ઐતિહાસિક નવી ઊંચાઈએ જરૂર પહોંચ્યા છે અને વર્ષ ૨૦૨૩ના શ્રેષ્ઠ પરફોર્મિંગ બજારોની યાદીમાં આવી ગયા છે. પરંતુ ભારતીય બજારોમાં વૃદ્વિ વિકાસશીલ અને વિકસીત બજારોની સરખામણીએ હજુ ઓછી રહી છે. નિફટી વર્ષમાં અત્યાર સુધીમાં ૮ ટકાથી વધુ વધ્યો છે, પરંતુ તાઈવાન, જાપાન અને અમેરિકા, જર્મનીની તુલનાએ આ ટકાવારી વળતર ઓછું રહ્યું છે.
વૈશ્વિક બજારોમાં અમેરિકાનો નાસ્દાક કોમ્પોઝિટ ઈન્ડેક્સ ૩૩ ટકા અને ત્યાર બાદ જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૨૪ ટકાથી વધુ વધ્યા છે. જ્યારે જર્મનીનો ડેક્ષ પરફોર્મર ઈન્ડેક્સે ૧૫ ટકા વળતર અને તાઈવાન વેઈટેજ ઈન્ડેક્સે ૨૧ ટકા જેટલું વળતર આપ્યું છે. વર્ષ ૨૦૨૩ની શરૂઆતમાં વિદેશી રોકાણકારો ચાઈના તરફ વળતાં ભારતીય બજારો સૌથી ખરાબ પરફોર્મર બજારોમાં એક રહ્યા હતા. જે ૨૦૨૨માં તીવ્ર વેચવાલી બાદ આકર્ષક વેલ્યુએશન ધરાવતું બજાર બન્યું હતું.
ચાઈનાની રિકવરી પર મદ્દાર રાખીને બેસેલા બજારોમાં ભારત પણ માર્ચમાં પાંચ મહિનાના તળીયે આવી ગયું હતું. જો કે ચાઈનાની રિકવરીએ વિદેશી રોકાણકારોને નિરાશ કરતાં અને ભારતીય અર્થતંત્રમાં રિકવરી સાથે વૃદ્વિના સંયોગો ઊજળા બનતાં અને ફુગાવો પણ વિશ્વના અન્ય દેશોની તુલનાએ ઝડપી સ્થિર થવા લાગતાં વિદેશી રોકાણકારોનો રોકાણ પ્રવાહ ભારતીય બજારો તરફ વળ્યો હતો.
માર્ચ થી અત્યાર સુધીમાં ફોરન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ ભારતીય શેરોમાં ૧૬ અબજ ડોલરથી વધુ રોકાણ કર્યું છે, જે ૧૦ મહિનાનું સૌથી વધુ છે. જૂનના ત્રિમાસિકમાં પણ એફપીઆઈઝનો રોકાણ પ્રહા ૧૪ અબજ ડોલર જેટલો જોવાયો છે.જે કોઈ એક ત્રિમાસિકમાં સૌથી વધુ નોંધાયો છે.
સેન્સેક્સ જે હવે ૬૬૦૦૦ની સપાટી અને નિફટી ૫૦ ઈન્ડેક્સ ૧૯૫૦૦ની સપાટી કુદાવી નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા છે. ભારતની ગ્રોથ સ્ટોરીમાં વિદેશી રોકાણકારોના વિશ્વાસ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાની સ્થિમાં વિદેશી રોકાણ પ્રવાહ ચાલુ રહ્યો હોઈ આ તેજીનો દોર આગળ વધી શકે છે.એટલે કે વધુ તેજીનો હજુ અવકાશ છે.
આ વિશે બજારના નિષ્ણાંતોનું માનવું છે કે, એક વર્ષથી વધુ સમયનો કોન્સોલિડેશનના તબક્કા બાદ તેજીવાળાઓ જોરમાં આવ્યા છે. હજુ આપણે ઉન્માદના તબક્કે પહોંચ્યા નથી. નિફટી અત્યારે ૧૯૫૦૦ના લેવલે નાણાકીય વર્ષ ૨૦૨૪ના કમાણીના અંદાજોના ૨૦ ગણાથી વધુએ ટ્રેડ થઈ રહ્યો છે. પરંતુ ભારતના ઊજળા સંજોગોને જોતાં ઐતિહાસિક ૧૬ગણા પી/ઈ મલ્ટિપલથી વધુ ઊંચુ વેલ્યુએશન મળવું જોઈએ.