વોટ્સએપ લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે ત્યારે બોમ્બે હાઇકોર્ટે લોકોને વોટ્સએપ સ્ટેટસ અપલોડ કરતી વખતે જવાબદારીપૂર્વક વર્તવાની ટકોર કરી છે. કોર્ટની નાગપુર બેન્ચે એક ધાર્મિક જૂથ સામે કથિત ઘૃણા ફેલાવતું કન્ટેન્ટ પોસ્ટ કરનાર વ્યક્તિ સામેનો કેસ રદ કરવાની અરજી ફગાવી દીધી હતી.
જજ વિનય જોશી અને વાલ્મિકી મેન્ઝેસે ચુકાદામાં જણાવ્યું હતું કે, “અત્યારે વોટ્સએપ હેતુનો ઉપયોગ જાણીતા લોકોને કંઇક કહેવા માટે કરવામાં આવે છે. લોકો સતત વોટ્સએપ સ્ટેટસ ચેક કરતા રહે છે. એટલે સ્ટેટસ જવાબદારીપૂર્વક અપલોડ કરવું જરૂરી છે.” હાઇકોર્ટની બેન્ચે ૧૨ જુલાઇના ચુકાદામાં ૨૭ વર્ષના કિશોર લેન્ડકરની અરજી ફગાવી દીધી હતી. તેની સામે આઇપીસીની ધારા હેઠળ ઇરાદાપૂર્વક ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ કાયદા તેમજ આઇટી એક્ટ હેઠળ ગુના બદલ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી અને કિશોરે તેને રદ કરવા કોર્ટમાં અરજી કરી હતી. તેને કોર્ટે અમાન્ય રાખી હતી.
હાઇકોર્ટે જણાવ્યું હતું કે, “વોટ્સએપ સ્ટેટસ તમે જે કરતા હોવ છો તેની તસવીર કે વીડિયો હોઈ શકે અથવા તમે કંઇક જોયું હોય તેને સ્ટેટસમાં મૂકી શકો. તે (સ્ટેટસ) ૨૪ કલાક પછી આપોઆપ ગાયબ થઈ જાય છે. આ જાણીતા લોકોને સંદેશ પહોંચાડવાનું માધ્યમ છે.” ફરિયાદીએ જણાવ્યું હતું કે, “માર્ચ ૨૦૨૩માં આરોપીએ વોટ્સએપ સ્ટેટસ અપલોડ કર્યું હતું. જેમાં તેણે પ્રશ્ન લખી લોકોને ગૂગલ પર આંચકાજનક પરિણામ માટે તે સર્ચ કરવા જણાવ્યું હતું.
ફરિયાદીએ પ્રશ્નને ગૂગલ પર સર્ચ કર્યો ત્યારે તેને ધાર્મિક લાગણીઓને ઉશ્કેરતી વાંધાજનક સામગ્રી મળી હતી.” આરોપીએ દાવો કર્યો હતો કે, “કોઈ ધાર્મિક જૂથની ભાવનાને ઠેસ પહોંચાડવા વોટ્સએપ સ્ટેટસ મૂકવાનો મારો ઇરાદો ન હતો.” તેણે એવી દલીલ પણ કરી હતી કે વોટ્સએપ સ્ટેટસ માત્ર એ જ લોકો જોઈ શકે છે જે વ્યક્તિમાં તમારો નંબર સેવ કરેલો હોય. એટલે તેનો ઇરાદો ધાર્મિક ભાવના ભડકાવવાનો ન હતો.