સંયુક્ત રાષ્ટ્રસંઘની હવામાન એજન્સી વર્લ્ડ મીટીરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએમઓ)ના અહેવાલમાં કહેવાયું હતું કે જુલાઈ મહિનો માનવ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો બન્યો છે. છેલ્લાં ત્રણ સપ્તાહ સતત સૌથી ગરમ રહ્યા હતા અને અસહ્ય આગ વરસી હતી. હજુ તો ગયા મહિને જ જૂન માસને દુનિયાનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો જાહેર કરાયો હતો. એક જ મહિનામાં ગરમીનો નવો વિક્રમ બનતા સંયુક્ત રાષ્ટ્રસંઘે ચિંતા વ્યક્ત કરી હતી.
સંયુક્ત રાષ્ટ્રસંઘના વડા એન્ટોનિયો ગ્યુટેરેસે ચિંતા વ્યક્ત કરતા આ સમયને નવું નામ આપ્યું હતું. તેમણે કહ્યું હતુંઃ ગ્લોબલ વૉર્મિંગ હવે જૂની વાત થઈ ગઈ છે. દુનિયામાં હવે ગ્લોબલ બોઈલિંગનો નવો યુગ શરૂ થયો છે. ગરમીની આ તો માત્ર શરૂઆત છે. વર્ષ દર વર્ષ સ્થિતિ વધુને વધુ ખતરનાક થતી જશે.
ભારત સહિત અમેરિકા, યુરોપ અને દુનિયાના અનેક દેશોમાં તાપમાન સરેરાશ કરતાં ઘણું ઉંચુ જઈ રહ્યું છે. વિશ્વના અનેક દેશોમાં ભીષણ ગરમીને લીધે મૃત્યુદર વધ્યો છે. કેટલાયે બિમાર થઈ હોસ્પિટલ પહોંચી ગયા છે. યુરોપ, ઉ.અમેરિકા અને ચીનમાં ‘લૂ’ વરસે છે. વર્લ્ડ-મીટીરીયોલોજિકલ ઓર્ગેનાઇઝેશને તેમજ યુરોપીય સંઘની કલાઈમેન્ટ ચેન્જ સર્વિસ દ્વારા એક સંયુક્ત નિવેદનમાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે. જુલાઈના પહેલા ૨૩ દિવસમાં જ પૃથ્વીનું સરેરાશ ઉષ્ણાતામાન ૧૬.૯૫ ડીગ્રી સેલ્સિયસ રહ્યું. ૧૬-૬૩ ડીગ્રીનો જૂનો રેકોર્ડ તેથી તૂટી ગયો. આ પહેલાં ૨૦૧૯નો જુલાઈ માસ અત્યાર સુધીનો સૌથી ગરમ જુલાઈ મહિનો હતો. ઉત્તર-પશ્ચિમ ચીનના એક વિસ્તારમાં ઉષ્ણાતામાન ૫૨.૨ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેણે પૂર્વેના તમામ વિક્રમો તોડી નાખ્યા છે.
વૃક્ષોની છાલ, પહાડો અને સમુદ્ર તટો પરની ‘ખંડીય છાજલી’ જેવા વિભિન્ન સ્રોતો ઉપરથી ડેટા મેળવી વિજ્ઞાાનીઓ તે તારણ પર આવ્યા છે કે, આ જુલાઈમાં સરેરાશ વૈશ્વિક ઉષ્ણાતામાન જુલાઈ, ૨૦૧૯ની તુલનામાં ઓછામાં ઓછું ૦.૨ ડીગ્રી સેલ્સિયસ વધ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટેરસે ન્યૂયોર્કમાં જણાવ્યું હતું કે, જુલાઈ ૨૦૨૩માં ઉષ્ણાતામાનના પૂર્વેના તમામ રેકોર્ડ તૂટી ગયોછે. આ કારણથી મૃત્યુદર પણ વધવા સંભવ છે. અત્યંત ગરમીને લીધે ભૂમધ્ય સમુદ્રના અનેક વિસ્તારોમાં જંગલોમાં આગ પ્રસરી છે.
વૈશ્વિક ઉષ્ણાતામાન વધતાં સમુદ્ર જળનું પણ ઉષ્ણાતામાન વધ્યું છે. વિજ્ઞાાનીઓ જણાવે છે કે ‘અલ-નિનો’ પ્રવાહ પણ આ ઉષ્ણાતામાન વૃદ્ધિને લીધે પ્રસર્યો છે. પેસિફિક, એટલાંટિક અને હિન્દ મહાસાગરનાં ઉષ્ણાતામાન તો વધ્યાં જ છે પરંતુ આર્ટિક અને એન્ટાર્ટિક ઓશન્સના ઉષ્ણાતામાન પણ વધ્યાં છે. બંને ધુ્રવો ઉપરનો બરફ ઓગળી રહ્યાં છે. બીજી તરફ ફલોરિડાથી શરૂ કરી પશ્ચિમ-ઓસ્ટ્રેલિયા સુધીના પટમાં સમુદ્ર જળનું ઉષ્ણાતામન પ્રમાણમાં ઘણું વધ્યું છે. અંદાજ તો એવોય બાંધવામાં આવ્યો છે કે ૨૦૨૩ના જુલાઈ માસમાં ગરમીનો ૧,૨૦,૦૦૦ વર્ષનો રેકોર્ડ તૂટયો છે.