દેશના અનેક રાજ્યમાં આઈ ફ્લૂનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. આઈ ફ્લૂને આંખ આવવી કે આંખનો રોજ અથવા લાલ આંખની સમસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. આંખોમાં આ ચેપ બેક્ટેરિયલ અને વાયરલ બંને પ્રકારનો હોઈ શકે છે. તબીબોનું કહેવું છે કે આ બિમારી વધવા પાછળનુ મૂળ કારણ પૂર અને વરસાદને કારણે આ અચાનક આંખની બીમારીનો ખતરો ઘણો વધી ગયો છે. તમામ લોકોએ વ્યક્તિગત સ્વચ્છતા અંગે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે.
શું છે આઈ ફ્લૂ ?
આઈ ફ્લૂ અથવા આંખ આવવાની સમસ્યાને કારણે આંખોમાં લાલાશ, ખંજવાળ અને પાણી નીકળવા લાગે છે. મોટાભાગના કિસ્સાઓમાં, તેના લક્ષણો હળવા હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં ગંભીર સ્વરૂપનું જોખમ હોઈ શકે છે જેમાં વ્યક્તિને સતત પાણી નીકળતા બરાબર જોઈ શકાતુ નથી. ત્યારે ઘણા લોકો કહે છે કે કોઈને આંખ આવી છે તો તેની સામે જોવુ નહી ત્યારે શું ખરેખ સંક્રમિત વ્યક્તિની આંખમાં જોવાથી આઈ ફ્લૂ થાય છે?
શું ચેપગ્રસ્ત વ્યક્તિને જોઈને પણ ચેપ લાગી શકે છે?
આંખોના નિષ્ણાત સમજાવે છે કે, આંખનો ફ્લૂ માત્ર ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે નજીકના સંપર્કથી થઈ શકે છે જેમ કે અંગત વસ્તુઓ શેર કરવી, સ્વચ્છતાની કાળજી ન લેવી, આંખોને યોગ્ય રીતે સાફ ન કરવી અથવા દૂષિત સપાટીને સ્પર્શ કર્યા પછી તે જ હાથથી આંખોને સ્પર્શ કરવો. નજીકના સંપર્ક વિના ચેપનું જોખમ નથી.
તે એક સામાન્ય ગેરસમજ છે કે આઈ ફ્લૂ કોઈની આંખોમાં જોવાથી ફેલાય છે. જ્યાં સુધી તમે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આંખના સ્ત્રાવના સંપર્કમાં ન હોવ ત્યાં સુધી ચેપનું જોખમ નથી.
સ્વચ્છતાના અભાવે થાય છે આઈ ફ્લૂ
નિષ્ણાત આ અંગે કહે છે કે આઈ ફ્લૂના વાયરસ દરવાજાના હેન્ડલ્સ, ટુવાલ અથવા ટિસ્યૂ પર સક્રિય રહે છે, તેથી આવી કોઈપણ સપાટીને સ્પર્શ કર્યા પછી હાથને સારી રીતે ધોવા જરૂરી છે. ભીડભાડવાળા વાતાવરણ અને સંક્રમિત વ્યક્તિઓના નજીકના સંપર્કને કારણે વાયરસ ઝડપથી ફેલાઈ શકે છે, તેથી નિવારણની પદ્ધતિઓનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
જાતે ન લેવી કોઈ દવા, નિષ્ણાતનું માર્ગદર્શન જરુરી
જો તમને આઈ ફ્લૂના લક્ષણો દેખાય છે, તો આ વિશે નિષ્ણાતનો સંપર્ક કરો અને સારવાર લો. તમારી જાતે કોઈ ઓવર ધ કાઉન્ટર દવાઓ અથવા આંખના ટીપાંનો ઉપયોગ કરશો નહીં કારણ કે તે તમારી આંખનું જોખમને વધારી શકે છે. આંખની અન્ય ઘણી સમસ્યાઓમાં આંખના ફ્લૂ જેવા લક્ષણો હોઈ શકે છે, તેથી લક્ષણોનું ચોક્કસ કારણ શોધીને તેની સારવાર કરાવવી મહત્વપૂર્ણ છે.