ચીન હિન્દ મહાસાગરમાં પોતાની શક્તિ વધારવા અને ભારતને ઘેરવામાં કોઈ કસર છોડવા માંગતું નથી. અમેરિકાની વિલિયમ્સબર્ગ યુનિવર્સિટીના વિલિયમ અને મેરી કોલેજના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીન દ્વારા હમ્બનટોટામાં નેવલ પોર્ટ તેમજ ત્યાંથી 50 કિમી દૂર સ્થિત મતારામાં રડાર બનાવવમાં આવી રહ્યું છે. આ રડારની મદદથી ચીન ભારતીય નૌકાદળના કોચી અને વિશાખાપટ્ટનમ બેઝ તેમજ કુડનકુલમ અને કલ્પક્કમ ન્યુક્લિયર પ્લાન્ટ પર નજર રાખી શકે છે.
આ પ્રોજેક્ટ ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના એરોસ્પેસ ઈન્ફર્મેશન રિસર્ચની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માટે કોલંબોના દક્ષિણ-પૂર્વમાં 155 કિમી દૂર ડોબ્રા ખાડીનાં જંગલોની પસંદગી કરાઈ છે. ચીન મટારા રડાર સુવિધાથી 1700 કિમી દૂર અમેરિકાના ડિએગો ગાર્સિયા મિલિટરી બેઝ પર પણ નજર રાખવા માંગે છે.
મહિન્દા રાજપક્ષેના કાર્યકાળ દરમિયાન ચીનનું વર્ચસ્વ વધ્યું
શ્રીલંકાનો ચીન પ્રત્યેનો પ્રેમ ભારત માટે ચિંતાનું કારણ બન્યો છે. શ્રીલંકાના મામલાના નિષ્ણાત અસાંગા અભય ગુણશેખરનું કહેવું છે કે ભારત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. મહિન્દા રાજપક્ષેના કાર્યકાળ બાદ શ્રીલંકામાં ચીનની દખલગીરી વધી છે. 2014માં ભારતે કોલંબો બંદર પર ચીનની સબમરીનના આગમન પર ચિંતા વ્યક્ત કરી હતી અને 2017માં શ્રીલંકાના હમ્બનટોટા બંદરને ચીનની કંપનીને 99 વર્ષની લીઝ પર આપવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ રિલેશન્સ ચીફ ઉદિયા દેવપ્રિયાનું કહેવું છે કે ચીન શ્રીલંકાના હમ્બનટોટા બંદરનો સૈન્ય ગતિવિધિઓ માટે ઉપયોગ કરી રહ્યું છે તે વાતને નકારી શકાય નહીં. હાલમાં જ જાહેર થયેલા આ રિપોર્ટમાં ચીનને લઈ ભારતમાં ચિંતા વધી છે.
ચીન 5 વર્ષમાં 8 નૌકા મથકો બનાવશે
ચીનની વ્યૂહનીતિ મુજબ વિશ્વભરમાં પોતાનાં બંદરો તેમજ નૌકામથકો સ્થાપવાની યોજના પર કામ કરી રહ્યું છે. એઈડડેટાની ‘હાર્બરિંગ ગ્લોબલ એમ્બિશન્સ’ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીન 5 વર્ષમાં 8થી વધુ સ્થળોએ તેનાં નૌકામથકો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ યાદીમાં હમ્બનટોટા નંબર વન પર છે. આ સિવાય પાકિસ્તાનનું ગ્વાદર, ઇક્વેટોરિયલ ગિનીનું બાટા, કેમરુનનું ક્રિવી, કમ્બોડિયાનું રીમ, મોઝામ્બિકનું નેકાલા અને મોરિટાનિયાનું નોઆકસોટ પણ સામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2001થી 2021 વચ્ચે ચીન 2.46 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે 123 બંદરો પર કામ કરી રહ્યું છે. ચીને 46 દેશોમાં 78 પોર્ટ બનાવવા અને વિકસાવવા માટે આર્થિક મદદ કરી છે.
હમ્બનટોટા બંદર ચીનની પહેલી પસંદ
ઘણાં બંદરો હોવા છતાં ફક્ત હમ્બનટોટા એ ચીનનો સૌથી મહત્ત્વાકાંક્ષી બંદર પ્રોજેક્ટ છે. ચીન અહીંથી આફ્રિકાથી ઓસ્ટ્રેલિયા પર નજર રાખી શકે છે. જહાજોને લૂંટારુઓથી બચાવવાના નામે ચીને સૌપ્રથમ જીબુટીમાં સૈન્ય મથક બનાવ્યું. હાલમાં 2 હજારથી વધુ ચીની સૈનિકો અહીં તહેનાત છે.
શ્રીલંકા ભારત સાથે પારદર્શિતા રાખે
કોલંબોએ પોતાનાં હિતોને ધ્યાનમાં રાખીને તમામ દેશોને સ્થાન આપ્યું છે. શ્રીલંકા કોઈ શિબિરમાં જોડાયું નથી. શ્રીલંકાએ ભારત સાથે પારદર્શિતા રાખવી જોઈએ અને પોતાની શંકાઓને દૂર કરવી જોઈએ. શ્રીલંકાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાતે એવો સંદેશ આપ્યો છે કે કોલંબો ભારતની ચિંતાઓથી વાકેફ છે.