ISROના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 સારી સ્થિતિમાં છે અને તેનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો ભ્રમણકક્ષા નિર્ધારણ પ્રક્રિયા હશે, જ્યારે અવકાશયાન 100 કિલોમીટરની ગોળાકાર ભ્રમણકક્ષામાં ચંદ્રની નજીક જવાનું શરૂ કરશે.
વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરે તેવી શક્યતા
ચંદ્રયાન-3 અવકાશયાન જે 14 જુલાઈના રોજ માર્ક-III રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું તે હવે ચંદ્રની 4,313 કિલોમીટર લંબગોળ ભ્રમણકક્ષામાં છે અને તેને 100 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં લઈ જવા માટે 9થી 17 ઓગસ્ટની વચ્ચે સતત પ્રક્રિયાઓ કરવાની જરૂર છે. વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરે તેવી શક્યતા છે. ISRO અધ્યક્ષ સોમનાથે કહ્યું હતું કે અમને 100 કિમી સુધી કોઈ મુશ્કેલી દેખાતી નથી. સમસ્યા માત્ર પૃથ્વી પરથી લેન્ડરની સ્થિતિનો અંદાજ કાઢવામાં છે. આ માપ ખૂબ જ મહત્વપૂર્ણ છે, આપણે તેને ભ્રમણકક્ષા નિર્ધારણ પ્રક્રિયા કહી શકીએ. જો તે યોગ્ય હશે તો બાકીની પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે.
ચંદ્રયાન-2 થી મેળવેલ અનુભવ ખૂબ જ ઉપયોગી : ISRO અધ્યક્ષ
ISROના અધ્યક્ષે કહ્યું અમે આ વખતે તેને ખૂબ જ સચોટ રીતે નીચે ઉતારવામાં સક્ષમ છીએ. આ માટે યોજના મુજબ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આમાં કોઈ વિક્ષેપ નથી અને શાનદાર પરિણામો આપી રહ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે બધું સારું થશે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-2 થી મેળવેલ અનુભવ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે કારણ કે સ્પેસ એજન્સીએ ચંદ્ર પર અવકાશયાન લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અભિયાન 2019માં આંશિક રીતે સફળ રહ્યું હતું.
ચંદ્રયાન-3માં ઘણા ફેરફારો કર્યા : સોમનાથ
સોમનાથે કહ્યું ચંદ્રયાન-2થી મેળવેલ અનુભવ ખૂબ મદદરૂપ થશે. શું ખોટું થયું હતું અમે તેના વિશે ખૂબ વિગતવાર વિચાર્યું અને બાદમાં અમે ફરીથી તૈયાર કર્યું અને ચંદ્રયાન-3માં ઘણા ફેરફારો કર્યા. તેમણે કહ્યું કે ચંદ્રયાન-2 અભિયાનમાંથી મળેલી ચંદ્રની તસવીરોનો ઉપયોગ ચંદ્રયાન-3ની સારી સ્થિતિ માટે કરવામાં આવ્યો હતો. સોમનાથે કહ્યું અમે આકસ્મિક સ્થિતિ અને ગડબડીથી સામનો કરવા માટે વધુ માહિતી એકઠી કરી છે. અમે આ તમામ બાબતો પર એક વ્યાપક પરીક્ષણ કાર્યક્રમ હાથ ધર્યો હતો.