ઉજ્જૈનના મહાકાલ લોકની જેમ હવે ગ્વાલિયરમાં દ્વારકાધીશ લોક બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ દ્વારકાધીશ લોક થાટીપુરમાં એક લાખ ચોરસ ફૂટ જમીનમાં નિર્માણ પામશે. જૂનું દ્વારકાધીશ મંદિર 125 વર્ષ જૂનું છે. 101 કરોડના ખર્ચે દ્વારકાધીશ લોક બનાવવામાં આવશે. આ રકમ લોકો દ્વારા ગુપ્ત દાન દ્વારા અપાઈ રહી છે.
અમદાવાદની કંપની કરશે દ્વારકાધીશ લોકનું નિર્માણ
આ દ્વારકાધીશ લોકનું નિર્માણ અમદાવાદની કંપની કરશે. કંપની દ્વારા મંદિરનું ડ્રોઈંગ તૈયાર કરાયું છે. આ વર્ષે દિવાળીમાં ભૂમિ પૂજન કર્યા બાદ નિર્માણ કાર્યની શરૂઆત કરાશે. દ્વારકાધીશ લોકના નિર્માણમાં 2 વર્ષ જેટલો સમય લાગશે.
દ્વારકાધીશ લોકમાં જોવા મળશે વૃંદાવનનો પ્રેમ
દાવા મુજબ દ્વારકાધીશ લોક વૃંદાવનના પ્રેમ મંદિર જેવો દેખાશે. આ લોક મધ્યપ્રદેશનું સૌથી અનોખું દ્વારકાધીશ મંદિર હશે. ભક્તોનો દાવો છે કે, દ્વારકાધીશ મંદિરની ઘણી માન્યતાઓ હોવાથી અહીં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવતા હોય છે. જ્યારે દ્વારકાધીશ લોક નિર્માણ પામશે ત્યારે દેશ-વિદેશથી લોકો દર્શન કરવા આવશે.
દ્વારકાધીશની પ્રતિમા સ્થપાશે
દ્વારકાધીશ લોકમાં દ્વારકાધીશની પ્રતિમા ઉપરાંત ગણેશજી અને રામ દરબાર પણ જોવા મળશે… વૃંદાવનના પ્રેમ મંદિરની જેમ મંદિરની અંદર ગૌરી-શંકર, ગણેશ તેમજ શિવ પંચાયત અને રામ જાનકીના દરબાર પણ દર્શન થશે.