જુનાગઢમાં મજેવડી ગેઇટની પોલીસ ઉપર પથ્થરમારાની ઘટનામાં જુનાગઢના ભાજપના કોર્પોરેટરના પતિની સંડોવણી હોવાનું સામે આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ તેમના ઘરે તપાસમાં ગયો હતો. ત્યાં પોલીસ સાથે માથાકુટ બોલાચાલી થવા પામી હતી. દરમિયાન ગેરકાયદે વીજજોડાણ હોવાનું પણ નજરે ચડતા પોલીસે પીજીવીસીએલની ટીમને જાણ કરતા વિજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું.
જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે.પટેલના જણાવ્યા મુજબ ગત તા. 16 જુનની રાત્રીના મજેવડી દરવાજા પાસે બનેલી ઘટનામાં પોલીસ ઉપર પથ્થરમારો અને હુમલો થયો હતો. તે કેસમાં હર્ષદનગરમાં રહેતા ભાજપના કોર્પોરેટર સમીનાબેન સાંધના પતિ આસીફ સાંધ પણ સંડોવાયેલ હોવાનું તપાસમાં સામે આવતા તેની ઘણા સમયથી પોલીસ તપાસ ચાલતી હતી. જેની તપાસ કરવા પોલીસ ઘરે પહોંચી હતી ત્યારે આસીફ સાંધ ઘરે મળેલ નહીં તેના પરિવાર દ્વારા પોલીસ સાથે બોલાચાલી કરી હતી જે અંગે બી ડીવીઝનમાં ફરીયાદ કરવામાં આવી છે.