વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપવા લોકસભામાં હાજર છે. મણિપુર હિંસા મુદ્દે વિપક્ષ દ્વારા મોદી સરકારના વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આજે અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાનો છેલ્લો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ક્રિકેટ કોમેન્ટ્રી સ્ટાઈલમાં સંબોધન કર્યું હતું અને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.
અવિશ્વાસ પ્રસ્તાવ અમારો નહીં વિપક્ષનો ફ્લોર ટેસ્ટ
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, દેશની જનતાએ વારંવાર અમારી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ માટે દેશની જનતાનો આભાર. તેમણે કહ્યુ કે, ભગવાન બહુ દયાળુ છે. તે એક યા બીજી રીતે ઈચ્છાઓ પૂરી કરે છે. ભગવાને વિપક્ષને અવિશ્વાસની દરખાસ્ત લાવવાનું સૂચન કર્યું તેના માટે હું ભગવાનનો આભાર માનું છું. 2018માં પણ ભગવાનનો આદેશ હતો કે વિપક્ષ આવો પ્રસ્તાવ લઈને આવે. અવિશ્વાસ પ્રસ્તાવ અમારો નહીં વિપક્ષનો ફ્લોર ટેસ્ટ છે.
વિપક્ષને દેશના નહીં પોતાના ભવિષ્યની ચિંતા
વિપક્ષ પર વાક પ્રહાર કરતા મોદીએ કહ્યું કે, ગરીબની ભૂખ નહી પરંતુ સત્તાની ભૂખ છે. તેમને દેશના ભવિષ્યની નહી પરંતુ પોતાના ભવિષ્યની ચિંતા છે. અવિશ્વાસના પ્રસ્તાવ પર વિપક્ષે કેવી ચર્ચા કરી છે. ફિલ્ડીગ વિપક્ષે ગોઠવી પરંતુ ચોક્કા છગ્ગા લાગ્યા.
વિપક્ષે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો
દેશની યુવા શક્તિ માટે આશા આકાંક્ષાને દિશા આપવા માટે સરકાર કાર્યરત હોવાનું કહીને વડાપ્રધાને કહ્યું કે, ડેટા પ્રોસેસીગ બિલ યુવા શક્તિ સાથે જોડાયેલ છે. આવનારો સમય ટેકનોલોજી આધારિત જીવનનો છે. પરંતુ વિપક્ષને આવા મહત્વના બિલ કરતા રાજનિતીમાં રસ છે. તેમણે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.
2024માં વિક્રમ સર્જીને એનડીએ સત્તામાં ફરી આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવિશ્વાસના પ્રસ્તાવ ઉપરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, વિપક્ષના પ્રસ્તાવ અમારા માટે શુભ હોય છે. તમે નક્કી કર્યું છે કે એનડીએ અને ભાજપ 2024માં તમામ રેકર્ડ તોડીને ફરી સત્તામાં આવશે.