વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી ઑગસ્ટને આઝાદી દિને લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધન કરશે. આ કાર્યક્રમ માટે દેશભરમાંથી વિશેષ અતિથિઓની યાદી તૈયાર કરાઈ છે, જેમાં અંદાજે ૧૮૦૦ લોકોને આમંત્રણ મોકલવામાં આવશે. આ વિશેષ અતિથિઓમાં ૫૦ નર્સ અને તેમના પરિવારના લોકો તેમજ ખેડૂતો, માછીમારોને પણ આમંત્રણ અપાશે. સરકારનો આશય સમાજના દરેક વર્ગના લોકોને આ કાર્યક્રમમાં સામેલ કરવાનો છે. બીજીબાજુ વડાપ્રધાન મોદીએ રવિવારે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ૭૭મા સ્વતંત્રતા દિનના પ્રસંગે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે. ત્યાર પછી તેઓ રાષ્ટ્રજોગ સંબોધન કરશે. આ વર્ષે સ્વતંત્રતા દિવસે ‘આઝાદીના અમૃત મહોત્સવ’નું સમાપન થશે. આ અભિયાન પીએમ મોદીએ અમદાવાદમાં ૧૨ માર્ચ, ૨૦૨૧ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ કર્યું હતું.
કોરોના મહામારી ખતમ થઈ ગઈ હોવાથી આ વર્ષે આઝાદી દિનની ઊજવણી માટે મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. સરકારની ‘જનભાગીદારી’ પહેલના ભાગરૂપે આ સમારંભ જોવા ૧૮૦૦ લોકોને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરાયા છે, જેમાં ૬૬૦થી વધુ ગામોના ૪૦૦થી વધુ સરપંચ, ખેડૂત ઉત્પાદક સંગઠન યોજનામાંથી ૨૫૦ ખેડૂતો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના ૫૦-૫૦ લાભાર્થીઓનો સમાવેશ કરાયો છે.
નવા સંસદ ભવન સહિત સેન્ટ્રલ વિસ્ટા યોજનાના ૫૦ કામદારો. ૫૦-૫૦ ખાદી કાર્યકરો, સરહદીય માર્ગના નિર્માણમાં સામેલ લોકો, અમૃત સરોવર અને હર ઘર જલ યોજનાની સાથે ૫૦-૫૦ પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો, નર્સો અને માછીમારોને પણ વિશેષ આમંત્રીતો તરીકે આમંત્રણ પાઠવાયું છે.
વધુમાં પ્રત્યેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ૭૫ યુગલોને તેમના પારંપરિક પોશાકમાં લાલ કિલ્લા પર સમારંભ જોવા આમંત્રણ અપાયું છે.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે લોકોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડીપી બદલીને તેમાં તિરંગો મૂકવા હાકલ કરી હતી.
વધુમાં તેમણે લોકોને તિરંગા સાથેનો તેમનો ફોટો ‘હરઘરતિરંગા.કોમ’ પર પોસ્ટ કરવા સૂચન કર્યું હતું.