અમદાવાદ મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલમાં ગયા અઠવાડિયે હિન્દુ-મુસ્લિમ બાળકની અદલાબદલી થઈ જતાં ભારે હોબાળો મચ્યો હતો. એ ત્યાં સુધી કે બાળકોના ડીએનએની તપાસ કરવા સુધી વાત પહોંચી હતી. સુપરિન્ટેન્ડન્ટ, એચઓડી સહિતના ટોપ મેનેજમેન્ટની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગના સિનિયર ડૉક્ટરોએ કહ્યું હતું કે બાળકના જન્મ સમયે ટેગિંગ કરવામાં આવ્યું હતું, પણ નર્સિંગ બ્રધરની સરતચૂકના કારણે બાળકની અદલાબદલી થઈ હતી. ત્રણ કલાક પછી ડૉક્ટર્સનો રૂટિન રાઉન્ડ હતો, એ દરમિયાન પીડિયાટ્રિક વિભાગના સેકન્ડ યર રેસિડન્ટ ડૉક્ટરને બાળકોના અદલાબદલીનો ખ્યાલ આવી ગયો હતો. તેમણે સિનિયર ડૉક્ટર્સ અને પરિવાર સમક્ષ હકીકત રજૂ કરી હતી.
ત્યાર બાદ હોબાળો શરૂ થયો હતો. ત્રણ કલાક દરમિયાન હિન્દુ માતાએ મુસ્લિમ બાળકને એક વખત સ્તનપાન કરાવ્યું હતું, જ્યારે હિન્દુ બાળકના કાનમાં મુસ્લિમ પરિવાર દ્વારા ધર્મનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. સૂત્રો કહે છે કે અગાઉ પણ બાળકોની અદલાબદલી થવાની ઘટના બની ચૂકી છે, પણ સિનિયર ડૉક્ટર્સ કહે છે, 10 વર્ષમાં આ પહેલી ઘટના છે.
કામનાબેન ઠક્કર (નામ બદલેલું છે) ચોથી ઓગસ્ટે અને ફાતિમાબાનુ પઠાણ (નામ બદલેલું છે) પાંચમી ઓગસ્ટે એસવીપી હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં દાખલ થયાં હતાં. બે દિવસ બાદ બંનેની સવારે ડિલિવરી થઈ હતી. ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગના સિનિયર ડૉક્ટરોએ કહ્યું હતું કે હોસ્પિટલના નિયમ મુજબ બંને બાળકોને ટેગિંગ કરી એક કલાક સુધી નિયોનેટલ વોર્ડમાં ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ બાળકોને માતાને સુપરત કરવામાં આવે છે. બાળકોનું ફરજિયાત ત્રણ વખત વેરિફેકેશન કરવામાં આવે છે. ડૉક્ટરોએ રાઉન્ડ લીધો એમાં ખ્યાલ આવી ગયો હતો. જોકે બાળકોને તેમની રિયલ માતાને મળવામાં ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો.
બીજી તરફ, એસવીપી હોસ્પિટલ દ્વારા આ બંને માતાનો ડેટા સિસ્ટમમાંથી ઉડાડી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. એસવીપીના છઠ્ઠા માળે લેબરરૂમ, ઓપરેશન થિયેટર, સી-1 અને સી-2 ગાયનેક વોર્ડ છે. એ-1 પીડિયાટ્રિક આઈસીયુ છે, જેમાં બધાં બાળકોને ડિલિવરી બાદ એક કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવતાં હોય છે. આ ઉપરાંત આ ફ્લોર પર જ કંગારુ થેરાપી સેન્ટર પણ છે.
પીડિયાટ્રિક વિભાગના સેકન્ડ યર રેસિડન્ટ ડૉક્ટરની સતર્કતાને કારણે બંને બાળકો તેમની સાચી માતાને મળી શક્યાં. જોકે બીજી તરફ આ ઘટનાથી હોસ્પિટલમાં ભારે હોબાળો થયો હતો. મુસ્લિમ પરિવારે બાળક નહીં સ્વીકારવાની જીદ પકડી હતી. હોસ્પિટલે બ્લડ સેમ્પલ મેળવી ટેસ્ટિંગ કર્યો હતો. એમ છતા પરિવારને મનની શંકા દૂર થઈ નહોંતી. ડીએનએ ટેસ્ટિંગ સુધી વાત પહોંચી હતી. હોસ્પિટલના સિનિયર ડૉક્ટરોને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. મામલો બહાર ના આવે એ માટે બંને માતાને ઝડપથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો હતો. આ બાબતે હોસ્પિટલ કે મ્યુનિ. અધિકારી બોલવા તૈયાર નથી.
ટેગિંગના કારણે બાળકને સાચી માતા મળી
માતાને બાળક સુપરત કરવામાં આવ્યાં ત્યારે બંને બાળકોની અદલાબદલી થઈ હતી. મુસ્લિમ માતાનું વજન આશરે 110 કિલો હતો અને તેમના બાળકનું જન્મ સમયે વજન આશરે 3.5 કિલો હતું, જ્યારે હિન્દુ માતાનું વજન આશરે 60 કિલો હતું અને તેમના બાળકનું વજન જન્મ સમયે આશરે 2.5 કિલો હતું. ડૉક્ટરના ધ્યાનમાં આવ્યું કે હેલ્થી માતા પાસે નબળું બાળક સૂતુ હતું. તેમણે ટેગિંગ જોયું તો એમાં હિન્દુ અને મુસ્લિમ બાળકોની અદલાબદલી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો.