આપણે કોઈ પણ શિવ મંદિરે જાય તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ ઓમ નમઃ શિવાયનો નાદ દુરથી જ કાનમાં ગુંજવા લાગે. તન અને મન શિવમય બની જાય છે અને વાતાવરણમાં એક અલૌકિક ઉર્જા હોવાની અનુભૂતિ થવા લાગે છે. એક દિવ્ય સ્થળે પહોંચતા પહેલા સુંદર હરિયાળી વાળી ટેકરીઓ અને નદીઓનું મનોહર દ્રશ્ય આંખોને ઠંડક આપે. શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લીંગ કે જે ૧૨ જ્યોર્લીન્ગમાંનું એક છે. દ્વાદશ જ્યોતિર્લીંગમાં બીજા નબરના આ જ્યોતિર્લીંગનું પૂરું નામ બ્રહ્મરામ્બા મલ્લિકાર્જુન શ્રી શૈલમ્ જ્યોતિર્લીંગ છે. જ્યાં શિવજી મલ્લિકાર્જુન રૂપે અને પાર્વતી બ્રહ્મરામ્બા રૂપે બિરાજમાન છે.
આંધ્રપ્રદેશના કુર્નુલ જીલ્લાનું એક એવું ધામ જ્યાં શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લીંગનો પણ વાસ છે અને જે એક શક્તિપીઠ પણ છે. ૧૨ જ્યોતિર્લીંગની કથાઓ રસપ્રદ છે અને એ કથાઓના અર્થ તારવીએ તો એ પણ ખ્યાલ આવે કે ભોળા શંભુનું જીવન સાદગી ભર્યું હતું જેને આપણે ક્યાંક આપણા જીવન સાથે પણ જોડીએ તો આપણે પણ કેટલીએ મુશેલીઓમાંથી સરળતાથી પસાર થઇ શકીએ. સંસાર અને વસ્તાર જેમ આપણા જીવનમાં માંડવાનો હોય છે એવો જ સંસાર ભગવાન ભોળા શમ્ભુનો પણ રહ્યો છે. કહેવાય છે કે શિવજી પણ કુટુંબપ્રિય દેવ છે. એમના કેટલાય ચિત્રોમાં આપણને તે પાર્વતી ગણેશ અને કાર્તિકેય સાથે જોવા મળે છે. પ્રશ્ન એ થાય કે શું એમના જીવનમાં પણ પારિવારિક સમસ્યાઓ રહી હશે? તો જવાબરૂપી આજની આ કથા છે જેમાં કાર્તિકેય શીવજીથી રિસાઈ ગયા અને શિવ તેમને મનાવવા પહોંચ્યા હતા. જેના થકી બીજા જ્યોતિર્લીંગ શ્રી મલ્લિકાર્જુનનો ઉદ્ભવ થયો હતો.
મલ્લિકાર્જુન જ્યોતિર્લીંગ અંગે પૌરાણિક કથા
શિવપુરાણની કથા મુજબ, શિવજી અને પાર્વતીએ તેમના બે પુત્રો ગણેશ અને કાર્તિકેયના લગ્ન વિષે વિચાર કર્યો. પછી એમને ચર્ચા કરી કે બંનેમાંથી પહેલા લગ્ન કોના કરાવવા જોઈએ. શિવ-પાર્વતીએ તેમના બેવ પુત્રોને આદેશ આપ્યો તેઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવે. આ બંનેમાંથી જે પુત્ર પહેલા પ્રદક્ષિણા પૂરી કરી શંકર-પાર્વતી સમક્ષ આવશે એના લગ્ન પહેલા લેવાશે. કાર્તિકેયજી પોતાના વાહન મોર પર બેસીને પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડ્યા. ગણેશજી ખૂબ જ ચતુર બુદ્ધિવાળા હતા. તેમને હતું જ કે તેમના વાહન ઉંદર પર બેસીને એટલી ઝડપથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવી કપરી હતી. તો તેમણે પૃથ્વીની પરિક્રમા ન કરવાને બદલે માતા પાર્વતી અને ભગવાન શિવની સાત પરિક્રમા કરી. પછી માતા પાર્વતી તથા પિતા મહાદેવ સામે ઉપસ્થિત થયા. અને કહ્યું માતા-પિતાની પ્રદક્ષિણા પૃથ્વીની પ્રદક્ષિણા સમાન છે. અર્થાત તમામ તીર્થ ધામો માતા પિતાના ચરણોમાં રહેલા છે. ત્યારે માતા પાર્વતી અને ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા.
પ્રદક્ષિણાની હરીફાઈમાં પ્રથમ આવેલા ગણેશજીને વાજતે ગાજતે રિદ્ધિ અને સિદ્ધિ સાથે પરણાવવાની તૈયારીઓ કારાવા લાગ્યા. ત્યારબાદ જ્યારે કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા કરીને પાછા ફર્યા ત્યારે આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને દક્ષીણ ભારતના ક્રોંચ પર્વત ઉપર જતા રહ્યા. શિવજી અને દેવી પાર્વતીને આ વાતની ખબર પડે છે ત્યારે પોતાના પુત્ર કાર્તિકેયને મનાવવા નારદજીને મોકલે છે. પણ નારદજી પણ કાર્તિકેયજીને મનાવી શકતા નથી. ત્યારે સ્વયં મહાદેવ તથા દેવી પાર્વતી પોતાના દીકરાને મનાવવા ક્રોંચ પર્વતમાળા પર પહોંચી જાય છે અને આખી પર્વતમાળામાં શોધા શોધ કરી મુકે છે. કાર્તિકેયએ જેવી જ ખબર પડી કે, તેમના માતા પિતા આવ્યા છે, તો તે ત્યાંથી 12 કોષ એટલે કે 36 કિલોમીટર દૂર જતા રહ્યા. સાથે શિવ અને પાર્વતી પણ પોતાના પુત્રને શોધવા જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ દરેક પર્વત પર એક એક જ્યોતિ મુકતા જાય. બસ આ રીતે ત્યાં શિવજી જ્યોતિર્લીંગ રૂપે પ્રગટ થયા. અને ત્યારથી આ સ્થળ મલ્લિકાર્જુન જ્યોતિર્લીંગ તરીકે પ્રખ્યાત થયું.
૫ પાંડવોએ મંદિરમાં ૫ શિવલિંગની સ્થાપના કરી હોવાનો પુરાણોમાં ઉલ્લેખ
મલ્લિકાર્જુન જ્યોતિર્લીંગ પર બીજી પણ નાની કથા છે. જેમાં ચંદ્રાવતી નામની રાજકુમારી એક જંગલમાં તપ કરવા પહોંચી હતી. ત્યાં એક દિવસ એને ચમત્કાર જોવા મળ્યો. કપિલા નામની ગાયના આંચળમાંથી દુધની ધારાઓ વહીને જમીન પર પડી રહી હતી. કપિલા ગાય રોજ આ ક્રિયા કરતી. રાજકુમારીએ એ સ્થળને ખોદ્યું અને તેમાંથી તેજસ્વી જ્યોતિર્લીંગ નીકળ્યું. જ્યોતિર્લીંગના તેજથી બધું ઝગમગી ઉઠ્યું. રાજકુમારીએ એ જ્યોતિર્લીંગની પૂજા કરીને મોક્ષ મેળવ્યો. આજ રીતે એમ પણ કહેવાય છે છત્રપતિ શિવાજી પણ એ જ્યોતિર્લીંગના દર્શન કરવા જતા. અને તેઓ બ્રહ્મરામ્બાદેવીના પણ મોટા ભક્ત હતા. એક પૌરાણિક કથા અનુસાર એમ પણ મનાય છે કે શ્રી રામે આ સ્થળે શિવજીની ઉપાસના કરી હતી. ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપે પણ આ સ્થળે શિવજીની પૂજા કરી હતી. ૫ પાંડવોએ મંદિરમાં ૫ શિવલિંગની સ્થાપના કરી હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે.
આ જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે સ્થિત છે
મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે શ્રી શૈલ પર્વત પર આવેલું છે. તેને દક્ષિણનું કૈલાશ પણ કહેવામાં આવે છે. આ જ્યોતિર્લીંગ નલ્લામલ્લાઈ ટેકરીઓ અને ત્રણ નદીઓ કૃષ્ણા, તુંગભદ્રા અને ભીમાના ત્રિવેણી સંગમ પાસે વસેલું છે. શિવ પુરાણની કોટીરુદ્ર સંહિતા અંતર્ગત મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનો ઉલ્લેખ મળે છે. શ્રી શૈલમ્’નો ઉલ્લેખ ભાગવતમાં પણ જોવા મળે છે અને સાથે આદિત્યપુરાણ, મત્સ્યપુરાણ, માર્કંડેયપુરાણ, સ્કન્દપુરાણ જેવા આદિ પુરાણોમાં પણ જોવા મળી રહે છે. શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનાં દર્શનથી ધન ધાન્ય વધે છે તથા દરેક પાપ નષ્ટ થાય છે. શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.