ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષ કરતા પણ વધુ સમયથી સત્તામાં છે અને પાર્ટીએ છેલ્લી વિધાનસભામાં રેકોર્ડ બ્રેક સીટો મેળવીને જીત નોંધાવી હતી, ત્યારે પાર્ટીએ વિધાનસભા 2022ની ચૂંટણીમાં રુપિયા 209 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. આ માહિતી પાર્ટીએ ચૂંટણી પંચને સોંપેલી વિગતોમાં આપી છે. ચૂંટણી સંસ્થા દ્વારા ખર્ચનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો.
પાર્ટીએ પ્રચાર પાછળ 160.62 કરોડનો ખર્ચ કર્યો
ગુજરાત ચૂંટણી પરના 15 જુલાઈના રોજ પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્ય ચૂંટણી ખર્ચના અહેવાલ મુજબ સામાન્ય પાર્ટીના પ્રચાર અને ઉમેદવારોના ભંડોળ પર રૂપિયા 209.97 કરોડનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચમાં પાર્ટીએ ચૂંટણી લડતા ઉમેદવારોને આશરે રૂપિયા 41 કરોડ ચૂકવ્યા હતા અને એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરના ઉપયોગ સહિત મુસાફરી ખર્ચમાં રૂપિયા 15 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. પાર્ટીએ સામાન્ય પ્રચાર પાછળ 160.62 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
ભાજપે જીતનો રેકોર્ડ તોડ્યો હતો
ભાજપે ગત વર્ષના ડિસેમ્બરમાં જંગી જીત સાથે રેકોર્ડ તોડ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ પહેલા રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ભાજપ જ નહીં અન્ય કોઈ પક્ષે આટલી બેઠકો જીતી નથી. અગાઉ માત્ર કોંગ્રેસનો 149 બેઠકોનો એક રેકોર્ડ હતો જે ભાજપે તોડી નાખ્યો હતો.
ગુજરાતમાં ભાજપનું પ્રદર્શન
આ પહેલા ભાજપનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2002માં જોવા મળ્યું હતું જ્યારે પાર્ટીએ 182માંથી 127 બેઠકો જીતી હતી. જો કે ભાજપે 2007 વિધનાસભાની ચૂટણીમાં 115, 2012ની ચૂંટણીમાં 115 અને 2017ની ચૂંટણીમાં 99 બેઠકો જીતી હતી.