પ્રમુખપદના નોમિનેશન માટે મેદાનમાં ઉતરેલા રિપબ્લિકન ઉમેદવારોની ડિબેટમાં ટ્રમ્પ ભાગ લેશે નહીંઃ બધા કરતાં લોકપ્રિય હોવાનો દાવો.
ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટી વતી ફરીથી ૨૦૨૪માં પ્રમુખપદની ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારો પક્ષનું નોમિનેશન મેળવવા મેદાને પડયા છે. જોકે, ટ્રમ્પ પક્ષના ઉમેદવારો વચ્ચે થનારી ડિબેટમાં ભાગ લેશે નહીં. અગાઉની ટર્મના રેકોર્ડના આધારે જ ચૂંટણી જંગમાં ઝંપલાવશે. વળી, એ સાથે જ ટ્રમ્પે ભારતને ટેક્સ વધારાની ધમકી પણ આપી દીધી છે.
૨૦૨૪માં પ્રમુખપદની ચૂંટણી માટે મેદાને પડેલા પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ટેક્સ વધારાની ધમકી આપી છે. એક ઈન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અમેરિકન પ્રોડક્ટ્સ પણ આકરો ટેક્સ નાખે છે. જો હું ૨૦૨૪માં સત્તામાં આવીશ તો ભારતીય ચીજવસ્તુઓ પર પણ ટેક્સ વધારીશ. હાર્લી ડેવિડશન બાઈક જેવી બ્રાન્ડ પર ભારત ટેક્સ વસૂલે છે તો અમેરિકાએ પણ ભારત પર એવો જ ટેક્સ લાદવો જોઈએ એવું ટ્રમ્પે કહ્યું હતું. ટ્રમ્પે આ ટેક્સને રેસિપ્રોકલ ટેક્સ નામ આપ્યું હતું એટલે કે બદલાનો ટેક્સ વસૂલવાની ધમકી ઉચ્ચારી હતી. ટ્રમ્પે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ભારત ટેક્સની બાબતમાં ઘણું આગળ છે. ભારત-અમેરિકાના કરદર એકસમાન કરવાની દિશામાં પગલાં ભરાશે.
બીજી તરફ રિપબ્લિન પાર્ટીના ઉમેદવારોની ડિબેટમાં ટ્રમ્પ ભાગ લેશે નહીં. ટ્રમ્પે જ આની જાહેરાત કરતા કહ્યું હતું કે પ્રમુખ તરીકે એનું કામ બોલે છે. તેનો રેકોર્ડ જ એટલો ઉમદા છે કે તેણે ડિબેટમાં પોતાના વિચારો અને પોલિસી રજૂ કરવાની જરૂર નથી. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારો પક્ષનું નોમિનેશન્સ મેળવવા માટે આંતરિક ચૂંટણી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યાં છે. તેના ભાગરૂપે બધા ઉમેદવારો વચ્ચે હવે ડિબેટ યોજાશે. ડોનાલ્ડ ટ્રમ્પ ડિબેટની પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. તેના બદલે પોતાના અગાઉના રેકોર્ડના આધારે મતદારોને આકર્ષવાના પ્રયાસો કરશે.