ચંદ્રયાન-3 (Chandrayaan 3) લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ યુનિવર્સિટીઓ અને કોલેજોના તમામ વિદ્યાર્થીઓ જોઈ શકશે. આ માટે યુજીસીએ (UGC) તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વિશેષ એસેમ્બલી અને લાઇવ સ્ટ્રીમના આયોજન અંગે સૂચનાઓ જાહેર કરી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને તેની સત્તાવાર વેબસાઈટ પર આ અંગે નોટિસ પણ જાહેર કરી છે. ઈસરોના (ISRO) જણાવ્યા અનુસાર, 23 ઓગસ્ટે ચંદ્રયાન-3 સાંજે લગભગ 6.04 કલાકે ચંદ્ર પર ઉતરશે.
ચંદ્રયાન-3નું લેન્ડિંગ એક યાદગાર ક્ષણ
આયોગે કોલેજો અને સંસ્થાઓને વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી સભ્યોને ચંદ્રયાન-3ના ચંદ્ર પર લેન્ડિંગનું લાઈવ વેબકાસ્ટ જોવા માટે પ્રોત્સાહિત કરવાની સલાહ આપી છે. યુજીસી દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ચંદ્રયાન-3નું લેન્ડિંગ એક યાદગાર ક્ષણ છે, જે માત્ર જિજ્ઞાસાને જ નહીં પરંતુ આપણા યુવાનોના મનમાં ઈનોવેશનનો જુસ્સો પણ પેદા કરશે. આ ગર્વ અને એકતાની ઊંડી ભાવના જગાડશે કારણ કે આપણે સામૂહિક રીતે ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજીની શક્તિની ઉજવણી કરીએ છીએ.
સાંજે 5.30 થી 6.30 દરમિયાન વિશેષ બેઠક આયોજિત કરો
આ વૈજ્ઞાનિક સંશોધન અને નવીનતાના વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે યોગદાન આપશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આ માટે તેમની કોલેજો અને યુનિવર્સિટીઓમાં સાંજે 5.30 થી 6.30 દરમિયાન વિશેષ બેઠક આયોજિત કરવા વિનંતી કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બનવા માટે ચંદ્રયાન-3 ચંદ્ર પર લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ જુઓ.
લાઈવ સ્ટ્રીમ ક્યાં જોવું?
UGCની નોટિસ અનુસાર, ચંદ્ર પર ચંદ્રયાન-3 લેન્ડિંગ સાંજે 5:27 વાગ્યાથી લાઈવ પ્રસારિત થશે. 23 ઓગસ્ટના રોજ, તમે ઘણા પ્લેટફોર્મ્સ પર લાઈવ કવરેજ જોઈ શકો છો. ઈસરોની વેબસાઈટ isro.gov.in, ઈસરોની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, ઈસરોનું ફેસબુક પેજ અને ડીડી નેશનલ ટીવી પર પણ જોઈ શકશે.